મુનાફ બકાલી, જેતપુર: રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની મબલખ આવક થઇ છે. ભીમ અગિયારસના તહેવાર અને સારા ભાવને કારણે આજે 35 હજાર જેટલા બોક્સની આવક થઈ છે. મહત્વનું છે કે, હરાજીમાં ખેડૂતોને 10 કિલો કેરીના બોક્સના ભાવ 400થી 900 રૂપિયા સુધી મળી રહ્યા છે. સાથે જ યાર્ડમાંથી કેરીની નિકાસ પણ થાય છે. લંડન, કુવૈત અને વિયેતનામ જેવા દેશો સુધી કેરી પહોંચી રહી છે, ત્યારે ખેડૂતો પણ પોતાના પાક માટે ગોંડલ યાર્ડ પર પસંદગી ઉતારી રહ્યા છે અને યાર્ડમાં મબલખ આવક થઈ રહી છે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા 2-3 દિવસમાં 60 હજારથી પણ વધુ બોક્સની આવક થઇ છે. ફળોની રાણી ગણાતી કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે ગોંડલ ફ્રુટ માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસથી જ આવક જોવા મળે છે. અહીં મુખ્યત્વે જૂનાગઢ, ગીર, તાલાલા, ઉનાના જસાધાર અને બાબરીયાની કેસર કેરીના 35 હજાર જેટલા બોક્સની આવક થઇ છે. હરાજીમાં 10 કિલો કેરીના બોક્સના ભાવ રૂપિયા 400થી 900 સુધીના ભાવ મળી રહ્યા છે.