હરિન માત્રાવાડિયા, રાજકોટ: રાજકોટમાં અત્યારસુધી વરસાદ (Rain) આવે ત્યારે અંડરબ્રિજ (Under bridge)માં પાણી ભરાવાના દ્રશ્યો સર્જાતા હોય છે. જોકે, હાલ વગર વરસાદે અંડરબ્રિજમાં પાણી ભરાવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા આમ્રપાલી બ્રીજ (Rajkot Amrapali under bridge)નું ઉદ્ઘાટન CM વિજય રૂપાણી (Vijay Rupani)ના હસ્તે કરવામાં આવ્યું હતું. હજુ આ બ્રિજ જનતા માટે ખુલ્લો મૂકાયો તેને માત્ર પાંચ જ દિવસ થયા છે ત્યારે તેમાં વગર વરસાદે પાણી ભરાવા લાગ્યું છે. એટલે કે પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવા ઘાટ ઘડાયો છે. એવું લાગી રહ્યું છે કે જાણે કરોડો રૂપિયાનું આંધણ થઈ ગયું!
અંડરબ્રિજમાં પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બ્રિજમાં પાણી ભરાતા રસ્તા પરથી પસાર થતાં લોકો વાહનો ધોતા જોવા મળ્યાં હતાં. પાંચ દિવસ પહેલા જે બ્રિજનું CM રૂપાણીના હસ્તે લોકાર્પણ થયું હતું તેવા ફૂલહારથી સજ્જ બ્રિજમાં લોકો પોતાના વાહનો ધોતા જોવા મળતા અહીંથી પસાર થતા લોકો પણ ચોંક્યાં હતા. તંત્રએ દાવો કર્યો હતો કે બ્રિજમાં પાણીની મોટરો મૂકવામાં આવી હોવાથી પાણી ભરાશે નહીં. પરંતુ ભરશિયાળે બ્રિજમાં પાણી ભરાતા તંત્રનો દાવો પોકળ સાબિત થયો છે.
આ અંગે મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બ્રિજમાંથી પાણીના નિકાલ માટે જે મોટર મૂકવામાં આવી હતી તે મોટર આજે ખરાબ થઈ ગઈ હતી. આ કારણે પાણીનો નિકાસ થઈ શક્યો નથી. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં થોડા જ વરસાદમાં મહિલા કૉલેજ અંડરબ્રિજ, લક્ષ્મીનગર અંડરબ્રિજ સહિતના બ્રિજોમાં પાણી ભરાતા હોય છે. હવે આમ્રપાલી બ્રિજમાં પણ થોડા વરસાદમાં પાણી ભરાય તો નવાઈ નહીં!