હરીન માત્રાવડિયા, રાજકોટ : સૌરાષ્ટ્ર (Saurashtra)માં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા (Earthquake) અનુભવાયા હતા. ભૂકંપના ડરથી લોકો તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટ (Rajkot)થી 22 કિલોમીટર દૂર નોંધાયું હતું. રાજકોટ સહીત આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપનો ભારે અનુભવ થયો હતો. ભૂકંપથી ખાસ કોઈ મોટી નુકસાનીના સમાચાર સામે નથી આવ્યા. જોકે, અનેક મકાનોમાં તિરાડો જોવા મળી હતી તો ગોંડલના કોલીથડ ગામ (Kolithad Village)માં એક સ્કૂલની છત ધરાશાયી થઇ છે.
આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી. બીજી તરફ દાળીયામાં ભૂકંપના કારણે મકાનની દીવાલોમાં તીરોડો પડી ગઈ હતી. સવારે 7.41 વાગ્યાની આસપાસ લગભગ 3 થી 4 સેકન્ડ સુધી 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકામાં પણ વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં ગોંડલના કોલીથડ ગામની જી.બી.કોટક હાઈસ્કૂલની છત ધરાશાયી થઈ હતી.