અંકિત પોપટ, રાજકોટ: રાજકોટ શહેરમાં પતિ-પત્નીની અંદરોઅંદરની લડાઈમાં એક રાહદારીનું મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે બે પક્ષો વચ્ચે કૌટુંબિક ઝઘડો થઈ રહ્યો હતો. કૌટુંબિક ઝઘડો શાંત પડાવવા જતાં રાહદારીનું મૃત્યુ નીપજયું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ (Gandhigram police) અને ક્રાઇમ બ્રાન્ચ (Rajkot crime branch)ની ટીમે ત્રણ જેટલા આરોપીઓને ગણતરીની મિનિટોમાં જ પકડી લીધા છે.
મળતી માહિતી પ્રમાણે અર્શિલ ખોખર (Arshik Khokhar) અને સાનિયા ખોખર (Sania Khokhar)ના લગ્ન ત્રણ વર્ષ પૂર્વે થયા છે. પરંતુ પતિ અર્શીલ ખોખર પોતાની પત્ની પર અવારનવાર શંકા-કુશંકા કરતો હતો. આ કારણે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. બુધવારના રોજ સાનિયા અજમેર શરીફથી રાજકોટ પોતાના પિયરીયાઓ સાથે પરત ફરી હતી. રાજકોટ પરત ફર્યા બાદ સાનિયા પોતાના સાસરે ગઈ હતી. જ્યાં તેણીના પતિએ તેની સાથે ઝઘડો કરી ઘરની બહાર કાઢી મૂકી હતી.
પતિએ સાનિયાને એવું કહીને કાઢી મૂકી હતી કે, તું એક જતી રહેશે તો તારી જગ્યાએ બીજી ચાર આવી જશે. ત્યાર બાદ સાનિયા પોતાના મામાના ઘરે પહોંચી હતી અને સમગ્ર ઘટના અંગે વાતચીત કરી હતી. સમગ્ર મામલે સાનિયાના મામા જાહિદભાઈ અને મામી દિલશાદે સાનિયાના સાસરિયાઓ સાથે વાતચીત કરી હતી. જે બાબતે ઝઘડાનો ખાર રાખી અર્શિલ ખોખર, અજિલ ખોખર, આરીફ ખોખર અને મિનાજબેન ખોખર માથાકૂટ કરવા સાનિયાના મામાને ત્યાં પહોંચ્યા હતા.
આ સમયે દિલશાદ ઘરે એકલી હાજર હતી ત્યારે આરોપીઓએ આવીને ઘરમાં તોડફોડ કરી હતી અને ચાર રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. સમગ્ર ઘટનાની જાણ દિલશાદે પોતાના પતિ જાહિદ શેખને કરી હતી. આ સમયે તે બજરંગ વાડી ખાતે હતો. ત્યાંથી તે ઘરે આવી રહ્યો હતો ત્યારે સાંઢિયા પુલ પાસે ચારેય આરોપીઓ અને જાહિદ શેખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ સમયે દિલશાદ પણ ત્યાં આવી પહોંચતા આરોપીઓએ તેણીને માર માર્યો હતો.
આરોપી અને પોતે આર્મીમાં ફરજ બજાવતા હોવાની ઓળખ આપનાર અજીલ આરીફભાઈ ખોખરે પોતાની પાસે રહેલા હથિયાર વડે ફાયરિંગ કર્યું હતું. આ સમયે જીએસટી વિભાગમાં કમિશનરના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા સુભાષભાઈ દાતી પોતાના બાઈક લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. એક જાગૃત નાગરિક તરીકે સુભાષભાઈ દાતી પોતાનું બાઈક પાર્ક કરી બંને પક્ષો વચ્ચે થયેલ ઝઘડો શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
સમગ્ર મામલામાં જાહિદના મોટાભાઈ તેમજ પત્ની દિલશાદ ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલાની જાણ રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચને થતા તાત્કાલીક અસરથી DCP પાર્થરાજસિંહ ગોહિલ, DCP સુધીર દેસાઈ, એસીપી પ્રમોદ દિયોરા, પી.આઈ જય ધોળા અને પીઆઈ જી.એમ.હડિયા સહિતનો સ્ટાફ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ગણતરીની મિનિટોમાં ત્રણ જેટલા આરોપીઓને પોતાના સકંજામાં લઇ લીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.