આજે રાજ્યના ઘણા જિલ્લાઓમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે બપોરે 3 વાગ્યા બાદ અમદાવાદ અને રાજકોટમાં મેઘરાજાએ ધમધમાટી બોલાવી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે સ્વતંત્રતા દિવસે રાજકોટ શહેરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજકોટના ઘણા વિસ્તારોમાં થોડાક જ સમયમાં ધોધમાર વરસાદ વરસતા ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. ત્યાં જ કેટલાક રસ્તાઓ તો બેટમાં તબદીલ થઇ ગયા હતો.
આજે રાજકોટ શહેર અને ગ્રામ્યમાં થોડાક સમયમાં ધોધમાર વરસાદ પડતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. રોડની બંને સાઇડમાં પાણી ભરાતા રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા ત્યાં જ વાહનચાલકો પણ રોડ પર પસાર થતા ડરી રહ્યા હતા કારણ કે રોડ પર એટલા પાણી ભરાયા હતા જેના કારણે લોકોના વાહનો બંધ પડી જવાનો ડર હતો. જોકે વરસાદ બંધ થયો હોવા છતા પાણી ઓસરવાનું નામ નથી લઇ રહ્યું.
રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ બાદ ગોંડલ રોડ સહિત શહેરના મોટા ભાગના રસ્તામાં પાણી ભરાયા હતા. સાથે જ રસ્તા પરથી પસાર થઇ રહેલા લોકો નદીમાંથી પસાર થઇ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. આ સાથે જ મહાનગર પાલિકાની પોલ વધુ એક વખત ખુલી ગઇ હતી અને પ્રી મોનસુન કામગીરીના તમામ દાવાની પોલ આજના ધોધમાર વરસાદે ખોલી નાંખી હતી.