અંકિત પોપટ રાજકોટ: રાજકોટ શહેરમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં અપહરણ કર્યાં વગર જ એક લવરમૂછિયા ખંડણીખોરે 72 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી પારસ ઉર્ફે પરિયો મહેન્દ્રભાઈ મોણપરા નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે. ખંડણી માંગવા માટે પારસે જે પ્લાન ઘડ્યો હતો તેના વિશે સાંભળીને ભલભલા માંથું ખંજવાળે. પારસે રાજકોટના એક બિલ્ડરના ભાભીને વોટ્સએપ મેસેજ કરીને 72 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પારસે મહિલાની છોકરીને મારી નાખવાની ધમકી આપી હતી. એક સમયે પારસ અને આ છોકરી સારા મિત્રો હોવાનું પણ સામે આવ્યું છે. આ જ કારણ છે કે પારસ છોકરીના પરિવારમાં કોણ કોણ છે તેના વિશે તમામ માહિતી જાણતો હતો. પારસ વૈભવી જીવન જીવવા માટે ટેવાયેલો છે.
સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવી જણાવ્યું હતું કે, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે બાંધકામનો વ્યવસાય કરતા કિશોરભાઈ પરસાણા નામના શખ્સે ફરિયાદ નોંધાવી હતી. કિશોરભાઈ એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના વિધવા ભાભીના વોટ્સએપ પર કોઈ અજાણ્યા શખ્સનો મેસેજ આવ્યો છે. જે મેસેજમાં વ્યક્તિએ ધમકી આપતાં જણાવ્યું હતું કે, 'જો તું 72 કરોડ નહીં આપે તો તારી ત્રણેય દીકરીઓને જીવવા નહીં દઉં. તારી ડેનિશા નામની છોકરી અમદાવાદમાં ક્યાં રહે છે તેની મને ખબર છે. 72 કરોડ રૂપિયા આપી દે નહીં તો તેનું અપહરણ કરી જાનથી મારી નાંખીશ.'
વોટ્સએપ પર મેસેજથી કારણે ડરી ગયેલા પરસાણા પરિવારે થોડાક સમય પૂર્વે જ અમદાવાદ ગયેલી પોતાની વ્હાલસોયી દીકરી ડેનિશાને રાજકોટ પરત બોલાવી લીધી હતી. બીજી તરફ સમગ્ર મામલે પીએસઆઇ હસમુખ ધાંધલીયા અને તેમની ટીમના રાજેશભાઈ બાળા, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, સુભાષભાઈ ચૌધરી, પ્રદિપસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર તેમજ શક્તિસિંહ ગોહિલ દ્વારા ખંડણીખોરની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
ખંડણીખોરનો જે મોબાઇલ નંબર ઉપરથી વોટ્સેપ મેસેજ આવ્યો હતો, તે મોબાઈલ નંબર બાબતે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી તમામ માહિતી એકત્ર કરવામાં આવી હતી. જે અંતર્ગત સૌપ્રથમ ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે, જે મોબાઇલ નંબર ઉપરથી વોટ્સએપ મેસેજ આવ્યો છે તે મોબાઇલ નંબર રાજસ્થાનનો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનના મોબાઈલ નંબરની કૉલ ડિટેઇલ પણ કઢાવી હતી. પ્રથમ દ્રષ્ટિએ તેમાંથી કોઈપણ બાબત શંકાસ્પદ લાગી નહોતી.
ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોટ્સએપને લગતી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણવા મળ્યું હતું કે, ડેનિશાની માતાને જે વોટ્સએપ મેસેજ કરવામાં આવ્યો છે તે વોટ્સએપ મેસેજ રાજસ્થાન નહીં પરંતુ ગુજરાતમાંથી જ કરવામાં આવ્યો છે. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ખંડણીખોર કોઈ જાણભેદુ હોય તે બાબતની પણ શંકા સેવાઇ રહી હતી. જે બાબતે દીકરી તેમજ તેના પરિવારને પૂછતા દીકરીનો પારસ નામનો જૂનો મિત્ર ભૂતકાળમાં હેરાન-પરેશાન કરતો હોય તે પ્રકારની બાબત પણ પોલીસને જાણવા મળી હતી. જેના કારણે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પારસને ઝડપી લઇને તેની આકરી પૂછપરછ કરી હતી.
પોલીસની આકરી પૂછપરછમાં પારસ પોપટની જેમ બોલવા લાગ્યો હતો. તેમજ કઈ રીતે ગુનાને અંજામ આપ્યો તે બાબતે જણાવ્યું હતું કે, તે પોતે રાજસ્થાન ગયો હતો. જ્યાંથી તેણે વધુ પૈસા આપીને એક અજાણી વ્યક્તિનું સીમ કાર્ડ લીધું હતું. જે સીમકાર્ડના માધ્યમથી પ્રથમ તેણે ઓટીપી જનરેટ કરાવ્યો હતો. આ ઓટીપી દ્વારા તેણે પોતાના આઇફોનનીમાં વોટ્સએપ ચાલુ કર્યું હતું. આ જ નંબર પરથી તેણે ડેનિશાની માતાને ખંડણી માટેનો મેસેજ કર્યો હતો.
આરોપી પારસ પોતે ટાટા કંપનીની મોંઘીદાટ કાર તેમજ મોંઘા કપડાં, iphone જેવો મોંઘો ફોન વાપરતો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપી પારસ વૈભવી લાઈફસ્ટાઈલ જીવવાની ટેવ વાળો છે. તેણે પોતાના મોજશોખ પૂરા કરવા માટે આ પ્રકારે તેને ખંડણી માગી હોવાનું સામે આવ્યું છે. સાથે જ આરોપીઓએ જણાવ્યું હતું કે, તે અને ડેનિશા છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાના પરિચયમાં છે. જે તે સમયે બંને વચ્ચે મિત્રતા હતી. પરંતુ છેલ્લા એક વર્ષથી બંને એકબીજા સાથે બોલતા પણ નહોતા. બંને વચ્ચે મિત્રતા હોવાના કારણે ડેનિશાને કેટલા ભાઈ બહેન છે, તેનો પરિવાર કેટલો સુખી સંપન્ન છે તે તમામ બાબતો અંગે આરોપી સારી રીતે જાણતો હતો. જેના કારણે આરોપી પારસે એક-બે નહીં પરંતુ 72 કરોડ જેવી ખંડણીની રકમ માંગી હતી.