ગોરસ સાંસ્કૃતિક મેળાનો રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો નિર્ભિક રીતે આનંદ માણી શકે તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાફિક ઉપરાંત લોકોની સુરક્ષા માટે પણ પોલીસે કમર કસી છે. મેળાના બંદોબસ્ત અંગે વિગતો આપતાં રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટના મેળામાં દરરોજ લાખો લોકો આવે છે અને મેળાની ભીડમાં અનેક બાળકો પરિવારથી વિખૂટા પડી જતાં હોય છે. બાળકોની સુરક્ષા માટે આ વખતે શહેર પોલીસ દ્વારા તમામ ગેટ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને ગેટ પરથી બાળકોને આઇકાર્ડ આપવામાં આવશે, જેમાં બાળકનું પૂરું નામ, સરનામું, વાલીના મોબાઇલ નંબર સહિતની વિગતો રહેશે જેથી કોઇ બાળક ગુમ થાય તો તાકીદે તેના પરિવાર સાથે મિલાપ કરાવી શકાય.
તા.1 થી 5 સુધી રેસકોર્સ રિંગ રોડ ફરતે વાહનો માટે નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યો છે. રિંગ રોડ ફરતે લારી-ગલ્લાં, પાથરણા અને રેંકડીઓ રાખી શકાશે નહીં. સવારે 9થી રાત્રીના 1 સુધી રિંગ રોડ પર 10 કિ.મી.ની ઝડપથી જ વાહન ચલાવી શકાશે. ભીલવાસ ચોકથી ચાણક્ય બિલ્ડિંગથી રૂડા બિલ્ડિંગ ચોક સુધી તમામ વાહનો માટે નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયો. બહુમાળી સર્કલથી પોલીસ હેડ ક્વાર્ટર્સ સર્કલ સુધી બંને તરફ વાહન પ્રવેશબંધી ફરમાવાઈ છે.
1, બહુમાળી ભવન સામે નેહરુ ઉદ્યાન. 2, એરપોર્ટ ફાટકથી આમ્રપાલી ફાટક પૂર્વ બાજુનો ભાગ રેલવે પાટા સામે. 3, બાલભવન મેન ગેટથી આર્ટ ગેલેરી સુધીના રોડ ઉપર. 4, ચાણક્ય બિલ્ડિંગ ચોકથી શ્રોફ રોડ પર બંને બાજુના રસ્તાના સાઇડ પર 30-30 રિક્ષા પાર્ક કરી શકાશે. 5, કિસાનપરા ચોક એ.જી.ઓફિસ પાસે 15 રિક્ષા પાર્ક થઇ શકશે. 6, કિસાનપરા ચોક સાઇકલ શેરિંગવાળી જગ્યા પર ટુ-વ્હિલર પાર્ક થશે. 7, આયકર વાટિકા સામે ખુલ્લી જગ્યા પાસે રિલાયન્સના ગ્રાઉન્ડમાં. 8, ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ. 9, હોમગાર્ડ ઓફિસર કોલોની બહુમાળી ભવન સામે. 10, આકાશવાણી રોડ, 12 માળની બિલ્ડિંગથી સર્કિટહાઉસ સુધી એક તરફ ફ્રી પાર્કિંગ કરી શકાશે
મેળામાં બંદોબસ્તમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત રહેતો હોય નોકરીની ફાળવણી માટે દરરોજ ત્રણ-ચાર કલાક જેટલો સમય વીતી જતો હોય છે આ સમસ્યાને નિવારવા માટે કમિશનર અગ્રવાલે ખાસ વ્યવસ્થા કરાવી છે. બંદોબસ્ત માટે પોલીસને તેમના મોબાઇલ પર જ ક્યા પોઇન્ટ પર નોકરી છે અને તેના અધિકારી કોણ છે તેની વિગતો મળી જશે. મેળામાં 20 જેટલા સીસીટીવી કેમેરા લગાવાશે.
- ચાણક્ય બિલ્ડિંગ ચોકથી શ્રોફ રોડ, રૂડા બિલ્ડિંગ થઇ પોલીસ હેડ ક્વાર્ટર્સ સર્કલ થઇ જૂની એનસીસી ચોકથી એરપોર્ટ તરફ આવક-જાવક ચાલુ રહેશે, તથા સર્કિટહાઉસ થઇ ફૂલછાબ ચોકથી જિલ્લા પંચાયત ચોકથી કિસાનપરા ચોક તરફ આવક-જાવક ચાલુ રહેશે. - જિલ્લા પંચાયત ચોકથી ફૂલછાબ ચોક તરફ તથા કિસાનપરા તરફ જઇ શકાશે તેમજ કિસાનપરા ચોકથી જૂની એનસીસી ચોક તરફ આવક-જાવક ચાલુ રહેશે. - એરપોર્ટ તરફથી આવતા વાહનો જૂની એનસીસી ચોકથી ડાબી બાજુ પોલીસ હેડ ક્વાર્ટર્સ સર્કલ થઇ રૂડા બિલ્ડિંગ તરફ જઇ શકશે, તેમજ એરપોર્ટ તરફથી કિસાનપરા ચોક તરફ જવા માટે એરપોર્ટ ફાટક થઇ આમ્રપાલી ફાટક થઇ રૈયારોડ તથા કાલાવડ રોડ તરફ જઇ શકાશે. - કોઇપણ ભારે વાહનલોક મેળા દરમિયાન રેસકોર્સ રિંગ રોડ ઉપર પ્રવેશી શકાશે નહીં અને બાયપાસથી વાહન આવન-જાવન કરી શકશે.