અંકિત પોપટ, રાજકોટ : મેટોડા જીઆઇડીસી (Metoda GIDC) પાસે એસટી બસને honda કંપનીની (CAR-ST Accident) કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે લોધિકા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર બનાવમાં પારુલ યુનિવર્સિટી (Parul University) સંચાલિત કોલેજના ત્રણ જેટલા વિદ્યાર્થીઓના (Three Student) અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત (Death) નિપજ્યા છે. જ્યારે કે બે જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં આવેલા મેટોડા જીઆઇડીસી નજીક બપોરના 1 વાગ્યા આસપાસ એસટી બસ અને હોન્ડા કંપનીની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે કાર ની સ્પીડ એટલી વધુ હતી કે તે એસટી બસના આગળના ભાગમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે ડ્રાઈવર સીટ પર રહેલા યુવાનનું પણ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી હતી. તો સાથે જ વિદ્યાર્થીઓના પરિવારજનોને પણ સમગ્ર બનાવની જાણ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકો ત્રણેય પારુલ યુનિવર્સિટી સંચાલિત હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થીઓ હતા જેમના નામ નિશાંત દાવડા, આદર્શ ગોસ્વામી અને ફોરમ હોવાનું સામે આવ્યું છે.
વિદ્યાર્થીઓ ખીરસરા ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે હાલ સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સમગ્ર બનાવનાર સીસીટીવી ફૂટેજ મેળવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. જેથી કરીને સ્પષ્ટપણે જાણી શકાય કે આખરે કોની બેદરકારીથી આ પ્રકારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.