અંકિત, પોપટ, રાજકોટ : તાજેતરમાં જ સાપર પોલીસ (Shapar Police Station) સ્ટેશનમાં લોધીકા મામલતદારે એન્ટી લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ (anti Land Grabbing act) ફરિયાદ નોંધાવી હતી. જે અંતર્ગત શાપર પોલીસે ગણતરીની કલાકોમાં 2 મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ દ્વારા સરકારી જમીનને પોતાની (Government Lan) બતાવી પ્લોટિંગ પાડી (Plotting) કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
તાજેતરમાં જ કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત એક બેઠક મળી હતી. જે બેઠકમાં 40 કેસ અંગે નિણર્ય લેવામાં આવ્યા હતા. જે અંતર્ગત 4 પ્રકરણમાં ગુના દાખલ કરવાની સૂચના આપવામાં આવી હતી. જ્યારે કે 3 પ્રકરણ હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યા છે. તેમજ 33 પ્રકારની તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે. આમ, કલેકટર ની સૂચના અન્વયે શાપર પોલીસ મથકમાં એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. જે અંતર્ગત શાપર પોલીસે હાલ 2 મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે કે વધુ પુરાવા એકત્રિત થતા અન્ય શખ્શો ની પણ ધરપકડ કરવામાં આવશે.
વર્ષ 1976માં સરકાર દ્વારા શાપર પારડી ની વચ્ચે શીતળા માતાના મંદિર પાસે આશરે 3 એકર જમીન ભરતભાઈ શાંતિલાલ વ્યાસ નામના વ્યક્તિને આજીવિકા મળી રહે તે હેતુથી આપી હતી. પરંતુ જમીન મામલે શરત ભંગ થઈ હોવાનો રિપોર્ટ મામલતદારે 1996માં કરતા પ્રાંત અધિકારી દ્વારા વર્ષ 2002માં શ્રી સરકાર દાખલ કરી હતી. ત્યારબાદ અરજદારે હાઇકોર્ટ અને મહેસૂલ વિભાગમાં પણ અપીલ કરી હતી.
કેસ હારી ગયા બાદ પણ ભાવેશે અન્ય વ્યક્તિઓની સાથે મળીને સૂચિત સોસાયટી બનાવી હતી જેનો પ્રમુખ પણ તે ચૂંટાયો હતો અને ત્યારબાદ 100 થી 200 વારના પ્લોટિંગ પાડવામાં આવ્યા હતા. આમ, કરોડો રૂપિયાની કિંમતની જમીન પ્લોટીંગ પાડી લોકોને વેચી દીધી હતી. ત્યારે હાલ સાપર પોલીસે ભાવેશ કરુણાશંકર વ્યાસ, નાગરભાઈ જાદવ, મનિષાબેન જાદવ, અલકાબેન પરમાર, રામભાઈ ઉર્ફે ભરતભાઇ ભરવાડ સહિતનાઓની ધરપકડ કરી છે. ત્યારે તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.