હરિના માત્રાવડિયા, રાજકોટ: આજના આધુનિક યુગમાં ઘરે ઘરે બાઇક (Bike) અને કાર (Car) જોવા મળી રહી છે. શેરીની બહાર જવું હોય તો પણ લોકો ચાલીને જવાને બદલે બાઇક કે કારમાં જાય છે. આથી જ દિવસેને દિવસે વાહનો (Vehicles)ની સંખ્યા વધતી જાય છે. લોકો પોતાના કામે કે નોકરીએ જાય છે ત્યારે પર્સનલ વાહન (Personal vehicles) લઇને જાય છે. પરંતુ જો અઠવાડિયામાં એક દિવસ સાઇકલ (Bicycle) લઇને જાય તો તેનું શરીર પણ સ્વસ્થ રહે અને વાતાવરણ પણ શુદ્ધ બને. પરંતુ રાજકોટના બી ડિવીઝન પોલીસ સ્ટેશન (Rajkot B division police station)માં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ પરેશ સોઢીયા અને સંજયભાઇ મિયાત્રા છેલ્લા ત્રણથી સાડા ત્રણ વર્ષથી રોજ સાઇકલ લઇને નોકરી પર આવી રહ્યાં છે.
બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પરેશ ધીરૂભાઇ સોઢીયાએ જણાવ્યું હતું કે, "પોલીસ સ્ટેશન સાઇકલ લઇને આવવાનો મારો હેતુ એ છે કે, સાઇકલ ચલાવવાથી ફિટનેસ જળવાય છે. બીજુ કારણ છે કે સાઇકલમાં કોઇ પણ પ્રકારનું વેરેન્ટેજ આવતું નથી. સાઇકલ લાવવાથી પ્રદૂષણ ઓછું થાય છે અને પેટ્રોલની બચત થાય છે. હાલ વાહનોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. જેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો થતો જાય છે. વાહનોના ધૂમાડાને કારણે વૃક્ષોને નુકસાન પહોંચી રહ્યું છે. જેનાથ ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું છે. હું છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ સ્ટેશને સાઇકલ લઇને આવું છું. તેમજ સવારે પણ સાઇક્લિંગ કરૂ છું."
આ અંગે બી. ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ નીભાવતા કોન્સ્ટેબલ સંજયભાઇ ઉગાભાઇ મિયાત્રાએ જણાવ્યું હતું કે, "હું સાડા ત્રણ વર્ષથી સાઇકલ લઇને આવું છું. સવારે રોજ પાંચ કિલોમીટર સાઇક્લિંગ કરૂ છું. સવારે પોલીસ સ્ટેશન સાઇકલ લઇને આવું છું અને સાંજે સાઇકલ લઇને ઘરે જાવ છું. શરીર તંદુસ્ત રહે છે. હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. પરંતુ સાઇકલ ચલાવાથી તેનો બચાવ થાય છે. દિવસેને દિવસે પ્રદૂષણનું પ્રમાણ વધતું જાય છે. ધૂમાડો ઓછો થશે તો લોકોના આરોગ્યમાં સુધારો થશે. પોલીસ તરીકે અમારે અમારૂ શરીર સાચવવું પડે છે. અમુક સમયે આરોપીઓને પકડવા માટે તેની પાછળ ભાગવું પડે છે. મારો લોકોને એટલો જ સંદેશ છે કે, તમારા પરિવારને સાઇક્લિંગ કરાવો અને તંદુરસ્ત રહો."