અંકિત પોપટ, રાજકોટ : રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં સતત બીજા અઠવાડિયે રેલવેના પાટા પાસે થી યુવકની લાશ મળી આવી છે. ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ કાફલો તેમજ 108ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ભગવતીપરા નજીક આવેલા ખોડિયાર પરા શેરી નંબર 1 પાસે આવેલા જુના રેલ્વેના પૂલ નીચે નગ્ન હાલતમાં કોઈ વ્યક્તિ ની લાશ પડી હોવાની માહિતી સવારના સાડા છ વાગ્યા આસપાસ બી ડિવિઝન પોલીસને મળી હતી.
જે બાબતની જાણ થતા તાત્કાલિક અસરથી બી ડિવિઝન પોલીસનો કાફલો તેમજ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી 108 ની ટીમ દ્વારા યુવાનને તપાસી મૃત જાહેર કરવામાં આવ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટીએ જોતા યુવાન પુલ પરથી નીચે પટકાયો હોવાથી પુલ નીચે રહેલા પથ્થરો સાથે તેનું માથું ટકરાતા ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજ્યું હોવાનું લાગી રહ્યું છે.