હરિન માત્રાવાડીયા, રાજકોટ : રાજ્યભરમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણી માટે જોર-શોરથી તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે રાજકોટ પોલીસ સતર્ક બની ગઈ છે. શહેર ક્રાઈમ બ્રાન્ચ, એરપોર્ટ પોલીસ, બી-ડિવિઝન અને માલવીયાનગર પોલીસે શહેરમાં અલગ અલગ ચાર જગ્યાઓ પર દરોડા પાડી પોલીસે બુટલેગરોની મનશા પર પાણી ફેરવી 2.45 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 6 લોકોની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ક્રાઇમ બ્રાંચે સાવરકુંડલાના શખ્સને દારૂના જથ્થા સાથે પકડ્યો છે. શહેરના કાલાવડ રોડ પર દરોડો પાડી મુળ સાવરકુંડલાના વિજય ઉર્ફ બંટી રમણિકભાઇ સોલંકી.ને રૂ. ૭૪૨૨૫ ના વિદેશી દારૂના જથ્થા સાથે પકડી લેવાયો હતો. આ શખ્સ પાસેથી અલગ અલગ ૧૧ બ્રાન્ડની નાની મોટી ૨૬૭ બોટલો મળી હતી. જેમાં સિગ્નેચર, બ્લેન્ડર્સ પ્રાઇડ, રોકફોર્ડ, બેલેન્ટાઇ, વેટ ૬૯, બ્લેક ડોગ, ઓલ્ડ મંક, ગોલ્ફર શોટ, હન્ડ્રેડ પાઇપર્સ સહિતની બ્રાન્ડનો સમાવેશ થાય છે. દારૂ, રોકડ, ફોન મળી રૂ. ૮૬૨૨૫ નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
તો એરપોર્ટ પોલીસે યુટીલીટીમાં દારૂ સાથે બે શખ્સને પકડ્યા છે. નવા શરૂ થયેલા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પહેલો ગુનો વિદેશી દારૂનો નોંધાયો છે. અમદાવાદ-રાજકોટ હાઇવે બામણબોર પાસેથી જીજે૦૩ઝેડ-૭૯૯૪ નંબરની યુટીલીટી પકડી લેવાઇ હતી. જેમાંથી રૂ. ૧,૨૦,૦૦૦નો દારૂ મળી આવતાં તે તથા ૨ લાખની યુટીલીટી, જીજે૧૩એપી-૬૦૮૫ નંબરનું ૫૦ હજારનું બાઇક તથા બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૩,૭૦,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સો ગુંદાળાના મશરૂ ઉર્ફ મછો મેરાભાઇ ગમારા અને ગુંદાળાના કિશન રસિકભાઇ ઝીંઝરીયાને પકડી લેવાયા હતાં.
આ બાજુ, બી-ડિવીઝન પોલીસે આસ્થા હોસ્પિટલ નજીક નાગબાઇ પાન વાળી શેરી પાસેથી મેહુલ શામજીભાઇ ચૌહાણ ને આઇ-૧૦ કાર જીજે૦૩જેસી- ૨૦૬૬ માં ૪૮૦૦૦ ના ૧૨૦ બોટલ દારૂ રાખી નીકળતા પકડી લીધો છે. તો માલવીયાનગર પોલીસના હેડકોન્સ. યુવરાજસિંહ જાડેજા અને હરપાલસિંહ જાડેજાની બાતમી પરથી આંબેડકરનગર-૩ના ખુણેથી પ્રકાશ સુરેશભાઇ રાઠોડ ને રૂ. ૩૧૨૦ ના ૬ બોટલ દારૂ સાથે તથા આંબેડકરનગર-૧૧ (ડ)ના જયેશ ઉર્ફ બટુક મનસુખભાઇ પરમાર ને રૂ. 1040 બે બોટલ દારૂ સાથે ઝડપી પાડ્યો છે.