હરિન માત્રાવાડિયા, રાજકોટઃ રાજકોટમાં (Rajkot) અપહરણનો (Kidnapping case) કિસ્સો સામે આવ્યો છે. શહેરના કુવાડવા (kuvadava) પાસેના ફાળદંગ બેટી ગામે રામજી મંદિર પાસે મેઇન બજારમાં રહેતાં વૃદ્ધ વલ્લભભાઇ ભગવાનભાઇ ખુંટનું ફાળદંગ ગયામના હનુમાનજી મંદિર પાસેથી ગત તારીખ 3 જુલાઈના રોજ ક્રેટા કારમાં અપહરણ કરી રિવોલ્વર જેવું હથિયાર બતાવી 'તું જમીનની દલાલીમાં ઘણા રૂપિયા કમાયો છો, જીવતા રહેવું હોય તો રૂ. 15 લાખ આપવા પડશે' તેમ કહી ચાર શખ્સોએ ધમકી આપી હતી અને બળજબરીથી રૂ. 385000 પડાવી લીધા હતાં.
આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી ફાળદંગના જ એક શખ્સ તથા સુરતના બે શખ્સ અને એક સગીર સહિત ચારને પકડી લઇ રોકડ, કાર અને પ્લાસ્ટીકની રિવોલ્વર કબ્જે કરી છે.પોલીસે ચાર આરોપીઓ શિવરાજ ધીરૂભાઇ ભાણાભાઇ વાળા મુળ બગસરાના હાલ સુરત હીરાબાગ લક્ષ્મીનગર રામબાગ પાસે એ. કે. રોડ પર રહેતાં સૌરવ ઉર્ફ એસબી બાલુભાઇ ઉર્ફ બાબુભાઇ માધાભાઇ હિરાણી તથા મુળ બગસરાના હાલ સુરત લક્ષ્મીનગરમાં રહેતાં લાલજી ઉર્ફ આર્મીબોય ગોવિંદભાઇ હિરાભાઇ રાંક-સોજીત્રા તેમજ એક સગીરને રફાળા ગામના રોડ પરથી ક્રેટા કાર સાથે પકડી લીધા છે.
વિગત એવી છે કે પકડાયેલા આરોપીઓ શિવરાજ અને સૌરવ મિત્રો છે. જે પંદર દિવસ પહેલા સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે. ડી. હોટેલમાં મારામારીમાં ગુનામાં સંડોવાયા હોઇ આ ગુનામાં સૌરવ નાસતો ફરતો હોઇ તેના મિત્રો લાલજી ઉર્ફ આર્મીબોય અને કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર રાજકોટના ફાળદંગમાં શિવરાજની વાડીએ રોકાવા માટે આવ્યા હતાં.
દરમિયાન શિવરાજને તેના મિત્ર ભરત કથીરીયા મારફત ખબર પડી હતી કે વલ્લભભાઇએ એક જમીન ભરતને વેંચાવી દીધી છે અને તેમાં વલ્લભભાઇને દલાલી પેટે મોટી રકમ મળી છે. આથી પોતાની વાડીએ રોકાવા આવેલા સૌરવ, લાલજી અને સગીર સાથે મળી વલ્લભભાઇ પાસેથી ખંડણી પડાવવાનો પ્લાન ઘડ્યો હતો. નક્કી થયા મુજબ તા. 3 - 7ના રોજ વલ્લભાઇ ફાળદંગ ગામમાં હનુમાનજી મંદિર પાસેથી નીકળ્યા ત્યારે શિવરાજે તેને પોતાની વાડી પાસે બોલાવી હથિયાર બતાવી ક્રેટા કારમાં બેસાડી અપહરણ કરી લીધુ હતું અને અલગ અલગ રસ્તા પર ફેરવી રસ્તામાં ધમકી આપી હતી કે તને જમીનની દલાલીમાં ઘણા રૂપિયા મળ્યા છે.
જો જીવવું હોય તો રૂ. 15 લાખ આપવા પડશે. આથી ડરી ગયેલા વલ્લભભાઇએ રૂ. 3.85 લાખ આપ્યા હતાં. આ મામલે કુવાડવા પોલીસ સુધી વાત પહોંચતા તપાસ ચાલુ હતી. દરમિયાન આજે આરોપીઓને ક્રાઇમ બ્રાંચે કાર સાથે પકડી લીધા છે. કારના ખાનામાંથી જે પિસ્તોલ મળી છે તે પ્લાસ્ટીકની હોવાનું ખુલ્યું છે. ફરિયાદી વલ્લભભાઇએ પણ પોતાને આ હથિયાર જ બતાવાયાનું ઓળખી બતાવ્યું છે. શિવરાજ વાળા અગાઉ કુવાડવામાં ખૂનની કોશિષ અને દારૂના ગુનામાં પકડાઇ ચુકયો છે.