અંકિત પોપટ, રાજકોટ : શહેરમાં 20મી ફેબ્રુઆરી એટલે કે મતદાન ની આગલી રાત્રે સામા કાંઠે રહેતી કોંગ્રેસના મહિલા કાર્યકર્તા ના ઘરમાંથી આલીશાન "બાર" ઝડપાયું હતું. અડધા લાખથી પણ વધુ નો વિદેશી દારૂ કોંગ્રેસના મહિલા કાર્યકર્તાના ઘર માંથી ઝડપાયો હતો. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે કોંગ્રેસની મહિલા કાર્યકર્તા ચાંદની લિંબાસિયા અને તેના પતિ વિરુદ્ધ પ્રોહીબીશન નો ગુનો દાખલ કર્યો હતો. જ્યારે કે કુવાડવા પોલીસ દ્વારા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા ગુનાને ડિટેક્ટ કરનાર મહિલા પોલીસ કર્મચારીઓને પ્રશંસાપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. News18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ગઢવીએ જણાવ્યું હતું કે, ચાંદની લીંબાસિયાનો ફાયરિંગ કરતો હોઈ તેવો વાયરલ વિડિયો સોશિયલ મીડિયામાં ફરતો હતો. જે બાબતની તપાસ અર્થે ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ વનરાજ સિંહ જાડેજા તેમજ તેમની ટીમ મહિલા કાર્યકર્તા ના ઘરે પહોંચી હતી.
આ સમયે ચાંદની લિંબાસિયા ના ઘરનો દરવાજો ખખડાવતા તેઓએ પ્રથમ દરવાજો ખોલ્યો નહોતો. જેના કારણે મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગાયત્રીબા તથા નેહલબેન બાજુના મકાનમાંથી પાઇપ દ્વારા ચાંદની બેન ના મકાનની છત ઉપર ગયા હતા. જે દરમિયાન ચાંદની બેન દ્વારા પોતાના ઘરનો દરવાજો ખોલવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમના રહેણાંક મકાનની તપાસ કરતા ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પતિ પત્ની વિરુદ્ધ કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો. કલમ 336,114 તથા આર્મસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મામલે ચાંદની બેન લિંબાસિયા ને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. જ્યારે કે તેમના પતિ પિયુષભાઈ લિંબાસિયા હાલ નાસતા ફરે છે. જેમને શોધવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ સતત પ્રયત્નો કરી રહી છે. આમ, આરોપી પિયુષ હાલ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને કુવાડવા પોલીસ સ્ટેશન ના ગુનામાં નાસતો ફરી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં બંને ગુનાના કામે તેની ધરપકડ કરવામાં આવશે.