અંકિત પોપટ, રાજકોટ : મંગળવારના રોજ રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી (harsh sanghavi) રાજકોટ (Rajkot) ની એક દિવસીય મુલાકાતે હતા. ત્યારે એક તરફ ગૃહ પ્રધાન હર્ષ સંઘવી રેસકોર્સ ખાતે યોજવામાં આવેલા જાણતા રાજાના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. બીજી તરફ રાજકોટ શહેરમાં બે જુદી જુદી જગ્યાએ ગુનાખોરીની ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ (Naresh Patel)ના વેવાઈ પ્રવિણભાઈ પટેલ (Pravinbhai Patel) ના ઘરે કેરરટેકરની હત્યા થતા શહેરની પોલીસ (Rajkot Police) દોડતી થઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના અમીન માર્ગ નજીક વિદ્યા સોસાયટીમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ (Naresh Patel) ના વેવાઈના બંગલામાં કેરટેકરની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલના વેવાઈ પ્રવીણભાઈ પટેલ વડોદરા હોય જેથી તેઓએ પોતાના બંગલાના સીસીટીવી મોબાઇલમાં ચેક કરી રહ્યા હતા. આ સમયે પોતાના મોબાઈલમાં સીસીટીવી ચેક કરતા પોતાના કેર ટેકરની હત્યા કરાયેલી હાલતમાં લાશ પડી હોવાની જાણ પ્રવીણભાઈને થઈ હતી. પોતાના બંગલાની સંભાળ રાખતો વિષ્ણુ નામનો કેર ટેકર લોહીલુહાણ હાલતમાં પડી હોવાની જાણ પ્રવીણભાઇ પટેલે પોતાના સગા સંબંધીઓને કરી હતી. રાજકોટ રહેતા સગા સંબંધીઓએ સમગ્ર મામલાની જાણ પોલીસને કરતાં તાત્કાલિક અસરથી માલવિયાનગર પોલીસનો કાફલો તેમજ ડીસીપી કક્ષાના અધિકારી સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
માલવિયાનગર પોલીસ ના પીઆઈ સહિતના સ્ટાફ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતક વિષ્ણુની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા બંગલાના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા છે. પોલીસ ને મૃતક પાસેથી એક ડિસમિસ પણ મળી આવ્યું છે. ત્યારે પોલીસ તપાસમાં આરોપીએ કયા ઇરાદે વિષ્ણુ ની હત્યા કરી છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
મળતી માહિતી મુજબ જ્યારે આરોપી વિષ્ણુની હત્યા કરી રેલિંગ થકી બંગલાની બહાર નીકળ્યો હતો ત્યારે બાજુના બંગલાના ચોકીદારે તેણે કોને ત્યાં આવ્યો હતો તે બાબતે પૂછપરછ કરી હતી. ત્યારે આરોપીએ વિષ્ણુને મળવા આવ્યો હોવાની વાત હિન્દી ભાષામાં કરી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. પોલીસને શંકા છે કે આરોપી અને મૃતક બંને એકબીજાને નજીકથી ઓળખતા હોવા જોઈએ.
ડીસીપી સુધીર કુમાર દેસાઈએ જણાવ્યું કે, પ્રવિણ પટેલના મકાનમાં કેર ટેકર તરીકે કામ કરતા વિષ્ણુ નામના પ્રૌઢની હત્યા થઈ હોવાની માહિતી મળી હતી. છેલ્લા ચાર વર્ષથી તેઓ બંગલાની રખેવાળી કરતા હતા. રાત્રીના ૯ વાગ્યે આવેલા અજાણ્યા શખ્સે તિક્ષ્ણ હથિયારના બે ઘા ઝીંકીને કરાઇ હત્યા. ચોરી કે લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાનું નથી લાગતું. હત્યા કરનાર શખ્સ બંગલાના પાછળના ભાગમાંથી ફરાર થયો હતો. હત્યા કરનાર મૃતકના પરિચયમાં હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સીસીટીવી કેમેરા અને અન્ય વિગતોના આધારે તપાસ શરૂ કરી છે.