રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે બુધવારના રોજ ગોંડલ તાલુકાની માફક જસદણ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલ માર્કેટ યાર્ડમાં જે પ્રકારે ખુલ્લામાં રાખવામાં આવેલી ખેડૂતોની મગફળી પાણીમાં પડી જતાં ખેડૂતોને પારાવાર નુકસાન વહોરવાનો વારો આવ્યો હતો, તે જ પ્રકારના દ્રશ્યો કંઈક જસદણ માર્કેટ યાર્ડમાં પણ સામે આવ્યા હતા. પાણીના ધસમસતા પ્રવાહમાં મગફળી તણાઈને જતી હોય તેવા વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
માર્કેટિંગ યાર્ડમાં વરસાદમાં અનાજ પલળવું કંઇ નવી વાત નથી. દર વર્ષે આવા દ્રશ્યો સામે આવતા હોય છે તો પણ માર્કેટિંગ યાર્ડ આ અંગે સજાગ થતું નથી. ખેડૂતોની આખા વર્ષની મહેનત થોડા જ વરસાદમાં બરબાદ થઇ જાય છે. બીજી તરફ સતત વરસાદને કારણે 40 દિવસ ખેતરમાં જઈ ન શકતા મગફળીમાં ઈયળ આવી છે. ફૂલ ખીલવા નથી પામ્યા. તલનું જે વાવતેર કર્યું તે બધું ધોવાઈ ગયું છે. હવે એક કપાસની આશામાં ફાલ પાકવાનો હતો ત્યારે વરસાદ પડ્યો.
ઉલ્લેખનીય છે કે, ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ થયું છે પરંતુ તે પૂર્વે જ છેલ્લા 20 દિવસથી ખેડૂતો જુદા જુદા માર્કેટયાર્ડમાં પોતાની મગફળી વેચી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સિઝન 2020-21 અન્વયે એમએસપી મુજબ એવરેજ કવોલીટી એટલે કે ખેત જણસીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ઓછામાં ઓછી ગુણવત્તાના ધોરણ મુજબ મગફળીની ખરીદીના રૂ.5275 પ્રતિ કિવન્ટલ નકકી કરવામાં આવેલ છે એટલે કે રૂ.1055 પ્રતિ મણ (20 કિલો)ના નકકી કરવામાં આવેલ છે. મગફળીની ખરીદીનો સમયગાળો તા. 21/10/20થી શરૂ કરી 90 દિવસ સુધીનો રહેશે.
ખરીદકેન્દ્રો માટે ખેડુતો પોતાની મગફળી પાક વેચાણ માટે નોંધણી કરાવશે અને નોંધણી અંગેની તારીખઃ 01.10.20 થીતા.20.10.20 રહેશે. નોંધણીની પ્રક્રિયા NICના IPDS પોર્ટલ (http//ipds.gujarat.gov.in) પર થશે. તેમજ નોંધણી પ્રક્રિયા દરેક ખરીદ કેન્દ્રના એપીએમસી (APMC) ખાતે તથા ગ્રામ્ય કક્ષાએ VCE મારફત જ કરવાની રહેશે. ખરીદ કેન્દ્ર ખાતે ખેડૂતોના રજીસ્ટ્રેશન અંગેના દસ્તાવેજો જેવા કે 7/12, 8 અ, બેંક ખાતુ અધારકાર્ડ સાથે લીંક કરાવેલ હોય તેવી બેંક પાસબુકની નકલ IFSC CODE સાથે, આધારકાર્ડની નકલ જેવા સાધનિક કાગળો સાથે ગ્રામ્ય કક્ષાએ VCE મારફત જ નોંધણી કરવાની રહેશે.