હરિન માત્રાવડિયા, રાજકોટ : શહેરમાં ધીમે ધીમે ફરીથી ગુનાખોરી (Crime Incidents)ના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના એ-ડિવીઝન પોલીસ મથક (Rajkot Police)માં એક ફરિયાદ નોંધાઇ છે. ભાવનગર (Bhavnagar) પંથકના ગામની વતની અને અગાઉ રાજકોટ હોસ્ટેલમાં રહી બ્યુટીપાર્લર (Beauty Parlour)ના કલાસ કરતી યુવતિએ ફરિયાદ નોંધાવી છે કે તેણી બે વર્ષથી રાજકોટ રહી પાર્લરના કલાસમાં જતી હતી. જે તે સમયે દીપક નામના છોકરાનો સંપર્ક થતાં મોબાઇલ નંબરની આપ-લે થઇ હતી. જે બાદમાં મેસેજથી વાતચીત થતી હતી. ત્યાર બાદ બંને એકબીજાને મળતા થયા હતા.
મુલાકાતો દરમિયાન દીપકે યુવતીને જણાવ્યુ હતુ કે મારા લગ્ન થઇ ગયા છે, છતાં હું તારી સાથે પણ લગ્ન કરી લઇશ. આ વાત થયા બાદ યુવતી આ યુવકને અવાર નવાર મળતી રહેતી હતી. યુવતીની ફરિયાદ પ્રમાણે, "2019ના માર્ચ મહિનામાં પહેલી વખત દીપક મને હોટલમાં લઇ ગયો હતો. અહીં મેં ના પાડી છતાં લગ્ન કરી લેવાની વાત કરી શરીર સંબંધ બાંધી લીધો હતો. જે બાદ અલગ અલગ હોટલમાં લઇ જતો હતો અને મારી ના હોવા છતાં પણ તે લગ્નની લાલચ આપી શરીર સબંધ બાંધતો હતો."
"જાન્યુઆરી-2020માં હું પ્રેગેનન્ટ થઇ જતાં મેં દીપકને આ અંગે વાત કરતાં તેણે મને કહ્યું હતું કે, હવે થોડા સમયમાં જ લગ્ન કરી લઇશું. ત્યાર બાદ તેણે ફોન બંધ કરી નવો મોબાઇલ નંબર મને આપ્યો હતો. તેના પર હું મેસેજ કરતી હતી. જે બાદ દીપક મને જસદણ કોઇ ડૉક્ટરને ત્યાં લઇ ગયો હતો તેની પાસે સોનોગ્રાફી કરાવતાં છ માસનો ગર્ભ હોવાની ખબર પડી હતી. આ સમયે પણ દીપકે થોડા જ દિવસોમાં લગ્ન કરી લેવાની વાત કરી હતી. જોકે, સમગ્ર વાતની મારા ઘરે ખબર પડી જતાં મને કાઢી મૂકી હતી. જે બાદથી હું અલગ અલગ જગ્યાએ રહું છું." આ મામલે હવે યુવતી રાજકોટ પોલીસ સ્ટેશન પહોંચી છે અને યુવક વિરુદ્ધ ફરિયાદ કરી છે.