અંકિત પોપટ, રાજકોટ: રાજકોટ શહેરમાં 2018 જૂન બાદ ગુનાખોરીના ગ્રાફ (Rajkot crime rate)માં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન (Gandhigram police station)માં ગુનેગારો ગુનાખોરી તરફ ફરી પાછા ન ફરે તે પ્રકારના સુવિચાર લખવામાં આવ્યા છે. આપણે ત્યાં મોટાભાગે એવું જોવા મળતું હોય છે કે, ગુનેગારો જેલમાં ગયા બાદ અન્ય ગુનેગારોને મળતા હોય છે. ત્યારબાદ તેમની વચ્ચે સંબંધો બંધાતા હોય છે અને કયા પ્રકારે તેઓ નવા પ્રકારની ગુનાખોરીને અંજામ આપી શકે તે બાબતની રણનીતિ (Policy) પણ ઘડાતી હોય છે. ત્યારે રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા ગુનેગારોને ગુનાખોરીથી દૂર કરવા માટે એક અનોખો પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આરોપીઓ માટે બનાવવામાં આવેલી લોકઅપમાં સારા ચિત્રો બનાવવામાં આવ્યા છે તો સાથોસાથ આરોપીઓના જીવનમાં કંઈક સકારાત્મક બદલાવ આવે તે પ્રકારના લખાણ પણ લખવામાં આવ્યા છે.
આપણા સમાજમાં હજુ પણ લોકો અન્યાય સામે લડતા અન્યાયની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા ડરતા હોય છે. સાથે જ પોલીસ પણ આપણા સભ્ય સમાજનો એક ભાગ છે. જે આપણા સભ્ય સમાજને મદદ કરવાના બનતા તમામ પ્રયાસો કરી રહી છે. આ પ્રકારની વાત રજુ કરવા માટે અને ગુનેગારો ગુનાખોરી છોડી એક સામાન્ય માણસનું જીવન જીવે તે પ્રકારના ચિત્રો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે બનાવવામાં આવ્યા છે.
આરોપીઓ માટેનું જે લોકઅપ હોય છે તે લોકો ની અંદર "અપરાધ છોડો પરિવાર બચાવો" નું સૂત્ર લખવામાં આવ્યું છે. સાથેસાથે લોકઅપમાંથી બહાર નીકળતી વખતે ઉપરના ભાગની દીવાલે "ફરી ન પધારશો" નું સૂત્ર લખવામાં આવ્યું છે. આરોપીઓને પોતાના જીવનમાં કંઈક નવો ઉદ્દેશ મળે કંઈક નવી હકારાત્મક ઉર્જા સાથે તેઓ આપણા સભ્ય સમાજમાં પાછા ફરે તે માટે ઉગતા સૂર્યનું ચિત્ર તેમજ તેની સાથો સાથ મોટીવેશનલ સૂત્રો પણ લખવામાં આવ્યા છે.