હરીન માત્રાવિયા, રાજકોટ : હાલ સમગ્ર ભારતમાં લૉકડાઉન (Lockdown)ની સ્થિતિ છે. આવા સમયે તમામ લોકોને ઘર (Stay Home)માં જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. જો કોરોના ફેલાતો અટકાવવો હશે તો લોકોએ ઘરોમાં જ રહેવું પડશે. આવા સમયે ક્રિકેટર, કલાકારો સહિત અન્ય મહાનુભાવો લોકોને સતત ઘરે રહેવા અપીલ કરી રહ્યા છે અને પોતે પણ ઘરે જ પરિવાર (Stay HOme) સાથે સમય વિતાવી રહ્યા છે. ત્યારે રાજકોટના ક્રિકેટર ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara)એ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે.
જાણીતી હસ્તીઓ પોતે ઘરે પરિવાર સાથે સમય વિતાવતા હોય તેવી તસવીરો સોશિયલ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જાહેર કરતા રહે છે. આ સાથે જ તેઓ લોકોને તેમજ તેમના ફોલોવર્સને અલગ અલગ માધ્યમોથી ઘરમાં જ રહેવાની અપીલ પણ કરી રહ્યા છે. સોમવારે લૉકડાઉનનો છઠ્ઠો દિવસ છે ત્યારે રાજકોટમાં રહેતા ભારતીય ક્રિકેટ ટીમના 'રન મશીન' તરીકે જાણીતા ચેતેશ્વર પુજારા પોતાના પરિવાર સાથે સમય વિતાવી લોકોને ઘરમાં રહેવા અપીલ કરી રહ્યો છે.
કોરોના વાયરસની મહામરી સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે ત્યારે ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 દિવસનું લૉકડાઉન જાહેર કર્યું છે. આ લૉકડાઉન દરમિયાન લોકો ઘરે રહે અને પોતાની સાથે સમાજ અને દેશને બચાવવા મદદરૂપ તેવી ખાસ અપીલ કરવામાં આવી છે. હાલ જે રીતે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તેને જોતા લોકોએ પણ પોતાની જવાબદારી સમજીને ઘરે જે રહેવું જોઈએ.