આ મહિલાનું નામ છે કાજલબેન. કાજલબેન રિક્ષા ચલાવી ઘરના ગુજરાનમાં મદદરૂપ બની રહ્યા છે. એટલું જ નહીં પણ રિક્ષા ચલાવતી વખતે પોતાની 4 વર્ષની દીકરીને ઘરે કોઈ સાચવે તેવું ન હોય આથી તેઓ પોતાની દીકરીને રિક્ષામાં સાથે જ રાખે છે. કાજલબેન રિક્ષા ચલાવી મહિને 11થી 12 હજાર રૂપિયા કમાય છે. જેથી તેઓ અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ સાબિત થયા છે.
કાજલબેને જણાવ્યું હતું કે, લેડીઝ માટે રિક્ષા છે તે ચલાવું છું. હું રોજ સ્કૂલના ફેરા કરું છું, જેમાં એક ફેરો નિર્મલા કોન્વેન્ટ સ્કૂલનો અને બીજો આરકેસી સ્કૂલનો છે. ત્રણથી ચાર મહિનાથી રિક્ષા ચલાવવાનું શરું કર્યું છે. હું એક જગ્યાએ કામ કરું છું ત્યાં નિલેશભાઈ કોઠારી મારા શેઠ છે. તેણે મને રિક્ષા લેવામાં બહુ સહકાર આપ્યો છે. તેના લિધે આજે હું આગળ વધી શકી છું. પહેલા હું ઘરકામ કરતી હતી. હું સાઇકલ લઈને બધે કરકામ કરવા જતી હતી. ત્યારે મારે દીકરી નાની હતી.
કાજલબેને વધુમાં જણાવ્યું હતું કે, અન્ય મહિલાઓને કહેવા માગીશ કે, તમે પણ નાનુ-મોટું કામ કરી આત્મનિર્ભર બની શકો છો. તેમજ એક આવક પણ ઉભી થાય છે જેનાથી તમે પોતાની આવકમાંથી વસ્તુઓ ખરીદી શકો છો. આજના જમાનામાં મહિલાઓ પુરૂષો સાથે ખભેખભો મીલાવીને કામ કરી રહી છે. મહિલાઓએ ઓફિસમાં જ કામ કરવું પડે તેવું નહીં પણ નાનુ કામ હોય તો પણ કરવું જોઈએ અને સમાજમાં પ્રેરણારૂપ દાખલો બેસાડવો જોઈએ.