અંકિત પોપટ, રાજકોટ : કોરોનાના (Coronavirus) કારણે અનેક લોકોના વેપાર-ધંધા ભાંગી પડ્યા છે અનેક લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે કોરોનાના કારણે અનેક લોકો ગુનાહિત કૃત્ય ના રવાડે પણ ચડ્યા હોવાનું સામે આવતું રહ્યું છે. ત્યારે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા રાજકોટ મોરબી હાઇવે પર આવેલી મારવાડી કોલેજ ની સામેથી વિદેશી દારૂની કુલ (Liquor caught) 101 પેટી સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર રોહિત રાવલે જણાવ્યું હતું કે, પીએસઆઇ અસલમ અન્સારી અને તેમની ટીમના માણસોને બાતમી મળી હતી કે, મારવાડી કોલેજ પાસેથી દારૂ ભરેલી એક બોલેરો કાર પસાર થવાની છે. જે આ બાબતની મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની બે જેટલી ટુકડીઓ બે જુદી જુદી ખાનગી કારમાં વોચમાં હતી.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડવામાં આવેલા બંને શખ્સોની પુછપરછ કરતા એક વ્યક્તિએ પોતાનું નામ બાલકૃષ્ણ મદ્રાસી હોવાનું જણાવ્યું હતું તો સાથે જ પોતે રેલવે સ્ટેશન પાસે આવેલા ઓફિસની બાજુમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. જ્યારે કે અન્ય આરોપીએ પોતાનું નામ મનીષ મનોજભાઈ જાખેલીયા હોવાનું જણાવ્યું હતું. તો સાથે જ પોતે શાકભાજી વેચવાનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું.