મુનાફ બકાલી, જેતપુર: કોરોના મહામારી (Corona pandemic) દિવસેને દિવસે ભયંકર સ્વરૂપ લઈ રહી છે. આ મહામારીમાં અસંખ્ય લોકો સુવિધાના અભાવે મોત (death)ને ભેટ્યા છે. આ દરમિયાન રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા (Jetpur)માં એક એવા વ્યક્તિ છે કે જે પોતે મોત સામે ઝઝૂમી રહ્યા હોવા છતાં કોરોના દર્દીઓને હૉસ્પિટલ પહોંચાડવાની સેવા આપી રહ્યા છે. તેમની આ સેવા જોઈને ઈશ્વર પણ સલામી આપે. તેમણે સેવાની જે ધૂણી ધખાવી તેની લોકો ખૂબ પ્રસંશા કરી રહ્યા છે.
હાલની પરિસ્થિતિને જોતા જેતપુરમાં કોરોના દર્દીઓને કોઇપણ હૉસ્પિટલમાં જવા કે ત્યાંથી ઘરે પરત આવવા માટે એમ્બ્યુલન્સ નથી મળી રહી. જેના કારણે લોકો હૉસ્પિટલ સુધી નથી પહોંચી શકતા. આ કારણે ક્યારેય દર્દીનું મોત પણ થાય છે. દર્દીઓની આ પીડા જોઈને જેતપુર નવાગઢ વિસ્તારમાં રહેતા ફારૂકભાઈ મોદન દુઃખી થઈ ગયા હતા. આથી તેઓએ દર્દીઓની મદદ માટે તેમની બે કારને એમ્બ્યુલન્સમાં બદલી નાખી છે.
અહીં સૌથી રસપ્રદ વાત તો એ છે કે જે માણસ બે એમ્બ્યુલન્સ બનાવી લોકોની સેવા કરી રહ્યો છે તે ખુદ મોત સામે ઝઝૂમી રહ્યો છે. એટલે કે સેવાની ધૂણી ધખાવનાર ફારૂકભાઈની છેલ્લા દોઢ વર્ષથી બ્લડ કેન્સરથી પીડિત છે. તેઓ દવાઓ અને થેરાપી લઈને હાલ મોત સામે ઝઝૂમી રહ્યા છે. મોત સામે જંગ લડી રહ્યા હોવા છતાં તેઓ અને તેમનો પુત્ર મુકતાર દિવસ અને રાત જોયા વગર કોરોના દર્દીઓની પાસેથી એક પણ રૂપિયો લીધા વગર તેમને હૉસ્પિટલ પહોંચાડી રહ્યા છે.