અંકિત પોપટ, રાજકોટ: રાજકોટ સહિત ગુજરાતના કેટલાક સતત કમોસમી વરસાદ (Unseasonal Rain)વરસી રહ્યો છે. જેના કારણે આસો માસમાં પણ અષાઢી વાતાવરણ જોવા મળી રહ્યું છે. સતત વરસાદ વરસવાના કારણે આભમાંથી ખેડૂતો (Farmers) પર આશીર્વાદ નહીં પરંતુ આફત વરસી રહી હોય તેવું લાગી રહ્યું છે. રવિવારના રોજ રાજકોટ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ધૂંઆધાર બેટિંગ (Heavy Rain) કરી હતી. જેના કારણે કપાસ, મગફળી અને મરચાના પાકને પુષ્કળ નુકસાન થવા પામ્યું છે.
રાજ્ય સરકાર તરફથી 21મીથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવનાર છે. ત્યારે ખેડૂતોએ પોતાની વાડીમાં મગફળીના પાલા પાથરીને રાખ્યા હતાં. બીજી તરફ ધોધમાર વરસાદ વરસતા પાથરેલા પાલા વરસાદી પાણીમાં વહી ગયા છે. તો મોટાભાગની મગફળીમાં વરસાદથી ભેજ આવી ગયો છે. ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં જે નીતિ-નિયમો બનાવ્યા છે તેમાં છૂટછાટ આપવામાં આવે.
સાથે જ ટેકાનો ભાવ જે 1,055 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે તેમાં પણ વધારો કરવામાં આવે. જેથી કરીને ખેડૂતોને થયેલા નુકસાનનું તેમને વળતર મળી શકે. બીજી તરફ સતત વરસાદ વરસવાના કારણે ખેડૂતોનો પાક તો નાશ પામ્યો છે પરંતુ પશુઓ માટેનો જે ઘાસચારો રાખવામાં આવ્યો હતો તે પણ પલળી જતા હવે મૂંગા ઢોરને શું ખવડાવવું તે મોટો પ્રશ્ન સામે આવ્યો છે.
બીજી તરફ ગોંડલ તાલુકામાં મરચાનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે. ચાલુ વર્ષે સતત વરસાદ વરસવાને કારણે મરચાના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. આમ ખેડૂતોને માથે આભ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા પણ રહેલી છે.