અંકિત પોપટ, રાજકોટ : એપ્રિલ મહિનાના અંતમાં ગોંડલમાં (Gondal) આવેલા ખોડિયાર માતાના મંદિરના પાછળના ભાગમાં આવેલા કુવામાંથી એક યુવાનની લાશ (Dead Body) મળી આવી હતી. જે યુવાનની ઓળખ પરેડ કરતા યુવાનનું નામ અજય સિંહ જાડેજા (Ajaysinh jadeja) હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડતા પીએમ રિપોર્ટમાં મૃતકના શરીર પર તિક્ષણ હથિયારના ઘા ઝીંકી દેવામાં (Murder) આવ્યું હોવાનું સામે આવ્યું હતું.
પ્રાથમિક તબક્કે યુવકની હત્યા કરાવીને લાશ કુવામાં ફેંકી દીધા હોવાની આશંકા સેવાઈ રહી હતી. ત્યારે ગોંડલ સિટી પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. ગોંડલ સિટી પોલીસ દ્વારા મૃતક યુવાનનો સીડીઆર રિપોર્ટ પણ કઢાવવા ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. યુવાનના મૃત્યુ પહેલા કોની કોની સાથે સંપર્કમાં હતો અને તેને સંપર્ક કર્યો હતો કઈ રીતે કૂવા સુધી પહોંચ્યો તે તમામ બાબતો અંગે તપાસ કરવામાં આવી હતી.
ત્યારે પોલીસને તપાસ દરમિયાન માહિતી મળી હતી કે, જાન્યુઆરી મહિનામાં ગોંડલના રામ દ્વાર પાસે જે પથ્થરમારાની ઘટના બની હતી. જે ઘટનામાં પોલીસે જયવીરસિંહ સહિતના આરોપીઓને પકડી પાડયા હતા. તે બાબતની બાતમી પોલીસને અજય સિંહ જાડેજા દ્વારા આપવામાં આવી હોવાની આરોપીઓને શંકા હતી. જે બાબતનો ખાર રાખી અજય સિંહ જાડેજાની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. તેમજ હત્યા કર્યા બાદ લાશને દોરડાથી બાંધી નાગડકા રોડ પર આવેલા કૂવામાં નાખી દેવામાં આવ્યો હતો.