અંકિત પોપટ, રાજકોટ : હાલ દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એકટ અંતર્ગત દંડની રકમ વધારવા બાબતે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જેમના શિરે ટ્રાફિક નિયમન કરાવવાની જવાબદારી આવે છે તેવા પોલીસ અધિકારીઓ અને જવાનો લોકો સાથે સીધા સંઘર્ષમા આવી રહ્યા છે. હાલ કેટલાલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં પોલીસ અધિકારીઓ અને જવાનો દ્વારા જ કઈ રીતે ટ્રાફિક નિયમનનો ભંગ કરવામાં આવે છે તે પ્રકારના વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
ફિલ્મથી પ્રભાવિત થઈને દંડની રકમ વધારવામાં આવી? : 20 એપ્રિલ 2018માં એક તમિલ ફિલ્મ આવી હતી. જેમાં લીડ રોલમાં મહેશ બાબુ અને કિયારા અડવાણી હતી. ફિલ્મ હિન્દીમાં ડબ પણ થઈ હતી જેનું નામ "ડેશીંગ સીએમ ભરત" હતું. ફિલ્મ નું બજેટ માત્ર 65 કરોડ હતું. તેમ છતાં આ ફિલ્મે તેના બજેટ કરતા ચાર ગણું કલેક્શન કર્યું હતું. ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ માં મહેશ બાબુ એટલે કે ભરતના પિતા રાઘવ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલ હોઈ છે. નાની ઉંમરમાં ભરત પોતાની માતાને ગુમાવે છે. તે બાદ તે અભ્યાસ અર્થે લંડન જાય છે. જ્યાં તે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી સ્નાતકની ડીગ્રી મેળવે છે.
ભરતને સમાચાર મળે છે કે તેના પિતાનું મૃત્યુ થયું છે. ભરત સમાચાર મળતા ભારત આવે છે. ત્યાં સુધીમાં તેના પિતાના અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા હોઈ છે. ફિલ્મમાં ભરતના પિતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હોઈ છે તેથી પિતા બાદ ભરતને મુખ્યમંત્રી બનાવવામાં આવે છે. ભારત આવ્યા બાદ ભરત અનુભવે છે કે ભારતમાં લોકોને ટ્રાફિકની સેન્સ નથી. લોકો ટ્રાફિકના નિયમ તોડવાને પોતાનું પરાક્રમ ગણાવે છે. જેથી મુખ્યમંત્રી બન્યા બાદ તે સૌથી પહેલા ટ્રાફિક સમસ્યા હલ કરવા મથે છે. જે અંતર્ગત તે ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડની રકમમાં તોતિંગ વધારો કરે છે. ત્યારે હાલ લોકો પણ માની રહ્યા છે કે કેન્દ્ર સરકારનો મોટર વ્હીકલ એકટ અંતર્ગત દંડની રકમમાં વધારાનો નિર્ણય આ ફિલ્મથી પ્રભાવિત થયા બાદ લેવાયો હોઈ શકે છે.
વિશ્વમાં સૌથી વધુ અકસ્માતના બનાવો ભારતમાં બને છે : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના 2018ના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વિશ્વભરમાં સૌથી વધુ અકસ્માતના બનાવો ભારતમાં બને છે. જ્યારે કે ભારત કરતા ચીનમાં વસ્તી વધુ છે તેમ છતાં અકસ્માતના બનાવો ભારત કરતા ઓછા બને છે. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીના 2017ના રિપોર્ટ પ્રમાણે દેશમાં 5 લાખ જેટલા રોડ અકસ્માતના બનાવો સામે આવ્યા છે. જે અકસ્માતના બનાવોમાં 1.50 લાખ જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. 2018માં અકસ્માતના બનેલા બનાવોમાં 1.49 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. જે પૈકી સૌથી વધુ ફેટલના બનાવ ઉત્તરપ્રદેશમાં થયા છે.
આખરે ક્યારે પાસ થયું હતું મોટર વ્હીકલ એમેન્ડમેન્ટ બિલ? : તારીખ 23 જુલાઈ 2019ના રોજ લોકસભામાં મોટર વ્હીકલ એમેન્ડમેન્ટ(સુધારા) બિલ પસાર થયું હતું. જે બાદ રાજ્યસભામાં પણ આ બિલને મંજૂરી આપવામાં આવી હતી. જે બાદ આ બિલ રાષ્ટ્રપતિની મંજૂરી અર્થે મોકલવામાં આવ્યું હતું. બીલનો મુખ્ય હેતુ દેશભરમાં લોકો ટ્રાફિક નિયમનનું પાલન કરે, લોકોમાં ટ્રાફિક સેન્સ આવે તેમજ લોકો રોડ પર પોતાની સેફટી જાળવતા થાય. તો સાથે જ રોડ પર થતા અકસ્માતના કારણે જે મોત નીપજે છે તેમા પણ ઘટાડો આવે તેનો છે.
ક્યા ગુના બદલ દંડમાં કેટલી રકમ નો કરાયો વધારો : મહત્તમ ગતિથી વધુ ગતિથી વાહન હંકારવા બદલ અત્યાર સુધી 500રૂપિયાનો દંડ હતો, જે રૂ. 5000 કરી દેવામાં આવ્યો છે. સીટ બેલ્ટ અને હેલ્મેટ ન પહેરવા બદલ અત્યાર સુધી 100 રૂપિયાનો દંડ હતો જે બદલીને 1000 રૂપિયા કરવામાં આવ્યો છે. મોબાઈલ પર વાત કરવા બદલ અત્યાર સુધી 1000 રૂપિયા હતો, જે હવે 5000 રૂપિયા કરી નાખવામાં આવ્યો છે. નશીલા પદાર્થનું સેવન કર્યા બાદ વાહન હંકારવા બદલ અત્યાર સુધી 2000 રૂપિયાનો દંડ હતો જે બદલીને 10,000 રૂપિયાનો કરી નાખવામાં આવ્યો છે. લાઇસન્સ વગર વાહન હંકારવા બદલ દંડની રકમ 500થી વધારી 5000 રૂપિયા કરી નાખવામાં આવી છે. વીમા વગર ગાડી હંકારવા બદલ દંડની રકમ 1000થી વધારીને 2000 કરવામાં આવી છે.