Mustufa Lakdawala,Rajkot: કહેવાય છે કે મન હોય તો માળવે જવાય.જો તમારૂ મન મક્કમ હોય તો આખી કાયનાત તમારો સાથ આપવા માટે તૈયાર થઈ જાય છે.ત્યારે આપણા ભારત દેશને જાણવા અને માણવા માટે રાજકોટનો એક સાહસિક યુવક એકલો યાત્રા પર નીકળી ગયો હતો.આ યુવકે 140 દિવસની યાત્રામાં 22 હજાર 834 કિમીની યાત્રા કરી હતી.જેમાં તેને 20 રાજ્યોના 190 વધારે પ્રદેશની મુલાકાત લીધી હતી.
સોલો ટ્રાવેલ એટલે કે તમારા કમ્ફર્ટ ઝોન અને રોજિંદી જિંદગીમાંથી બહાર નીકળી એક અલગ જગ્યા પર જાવ છો.. જ્યાં તમારો પરિવાર ન હોય, જ્યાં તમારા મિત્ર કે કોઈ ઓળખીતા વ્યક્તિ ન હોય.બસ તમે એક પોતે જ હોવ, અને તમારા વિચારો અને એક નવી જગ્યા અને નવા લોકો.જેની સાથે તમે તમારો પુરો સમય વીતાવો છો, જે જગ્યા પર ભાષા અલગ છે, રીતરિવાજ અનોખા છે, જમવાનું અને રહેણીકરણી અલગ હોય ત્યાં જઇને તમે ફરો છો.
વધુમાં તેને કહ્યું કે ભારત દેશ ખુબ જ સમૃદ્ધ છે. ભારત ભ્રમણ દરમિયાન મેં ભારતના બધા પ્રખ્યાત અને આસ્થાના સ્થાનો જેમ કે બધા મંદિરો, દરગાહ, ગુરુદ્વારા અને ચર્ચ બધી જગ્યા જોઈ લીધા છે. મુસ્લિમ તરીકે મેં 3 ધામની યાત્રા પણ કરી લીધી છે, અને બધા ધર્મ અને સંપ્રદાયના નાગરિકોને નજીકથી જોયા અને બધી મહત્વની નદીઓ જેમ કે ગંગા, સિંધુ, બ્રહ્મપુત્રા અને અન્ય ઘણી બધી નદીઓ જોઈ અને તેમનું પાણી પીધેલું છે.
બિહાર કે છત્તીસગઢ જેવા રાજ્યો વિષે આપણે જે સાંભળતા હોઈએ તેનાથી વિપરીત અહીંના લોકો ઘણા સારા છે. નક્સલી વિસ્તારોમાં પણ હિંમતભેર હું આગળ વધતો ગયો. પૂર્વાંચલના પ્રદેશો અને ત્યાંના લોકો ખુબજ માયાળુ હતા.અહીં લોકોનું જનજીવન ખુબ જ કુદરતી છે. વહેલી સવારે ચાર વાગ્યે સુરજ ઉગે અને સાંજે પાંચ વાગ્યે સુરજ આથમી જાય. લોકો હજુ પણ સંસ્કૃતિને જાળવી સામાન્ય જીવન જીવે છે. વારાણસીનો અનુભવ ખુબ જ દિવ્ય રહ્યો. દરેક લોકોએ આ પવિત્ર સ્થળે એક મુલાકાત ચોક્કસ લેવી જોઈએ.
8મી સપ્ટેમ્બર 2022થી શરૂ થયેલી યાત્રા 25 જાન્યુઆરી 2023 તેમણે પૂરી કરી.આ દિવસો દરમિયાન તેણણે ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય. અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, સિક્કિમ, ઝારખંડ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને રાજસ્થાન સહીત 20 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો અને નેપાળ સુધીની સફર બાઈક પર કરી રાજકોટ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.