પેપર ફૂટવાની ઘટના હવે ગુજરાતમાં જાણે સામાન્ય બની ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. જુનિયર ક્લાર્કની તૈયારી કરીને સરકારી નોકરી કરવાની ઈચ્છા રાખવાના ઉમેદવારોને આજે મોટો ઝાટકો લાગ્યો છે. રાજ્યના 9 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા માટે ઉમેદવારી નોકરી નોંધવી હતી. જેમાં ઘણાં આજે પરીક્ષા રદ્દ થતા લાગણીઓ પર કાબૂ રાખી શક્યા નહોતા, ઉમેદવારોની આંખો છલકાઈ ગઈ હતી.
રાજકોટમાં પરીક્ષા આપવા આવેલા એક ઉમેદવાર સાથે પણ એવું બન્યું કે પરીક્ષા રદ્દ થવાની વાત જાણીને તેની આંખો ભરાઈ આવી હતી. ઉમેદવારે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે, અમે બે-ત્રણ વર્ષથી તૈયારીઓ કરી રહ્યા છીએ, બિન સચિવાલય, કોન્સ્ટેબલ જેવી પરીક્ષાઓ પછી જુનિયર ક્લાર્કનું પણ પેપર ફૂટ્યું છે. આટલું કહેતા જ યુવકની આંખો ભરાઈ આવી હતી.
આ યુવકે પોતાની વધુ લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, હું આજે ઘણી આશાઓ બાંધીને આવ્યો હતો, મારી મા.. મારા બાપે મને કેટલો હરખ રાખીને મોકલ્યો હતો કે મારો દીકરો પરીક્ષા આપવા ગયો છે, અને પરીક્ષા આપીને દીકરો ગુજરાત સરકારમાં કોઈ પદ પર બેસશે.. પરંતુ આજે તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. હવે અમે ઘરે શું મોઢું બતાવીએ સાહેબ..!!!
અરવલ્લીથી પરીક્ષા આપવા માટે આવેલા પરણિત મહિલા ઉમેદવારે જણાવ્યું કે, તેઓ 10 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી કરી રહી છું. આટલી ઠંડીમાં હું સવારે 4 વાગ્યે ઉઠીને મેઘરજથી પરીક્ષા આપવા માટે આવી હતી. મારી સાથે બીજી વખત એવું બન્યું છે કે હું પરીક્ષા આપવા ગઈ હોઉં અને પેપર ફૂટ્યું હોય. આવું ના થવું જોઈએ..