ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના 7માં વર્ષના પ્રવેશ પ્રસંગે મંદિર પરિસરમાં રંગબેરંગી લાઈટોથી સુશોભન કરવામાં આવ્યું છે. જાણે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો મા ખોડલના દર્શનાર્થે પધારવાના હોય વ્યવસ્થાના ભાગરૂપે 4000થી વધુ સ્વયંસેવકો અને પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે. ખોડલધામ મંદિર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પધારવા માટે પત્રકાર મિત્રોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.આ સાથે જ પત્રકાર મિત્રો માટે ખાસ બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવા રાજ્ય સરકારના પ્રધાનો અને નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું સન્માન કરવામાં આવશે. આ સાથે જ ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ સાથે ખોડલધામના ટ્રસ્ટીઓ, ઓલ ઈન્ડિયા કન્વીનરો, સહ કન્વીનરો, સ્વયંસેવકો મહિલા સમિતિના અધ્યક્ષો, સામાજિક આગેવાનો અને દાતાઓ સહિતના લોકો એક તાંતણે બંધાય તે માટે વિશાળ સભાનુંઆયોજન કરવામાં આવ્યું છે. જેથી આ કાર્યક્રમમાં ઓલ ઈન્ડિયા કન્વીનરો સહિતના સમાજના આગેવાનો ભાગ લેશે.
અહિંયા સ્વયંસેવકો દ્વારા વૈદિક હવન કરવામાં આવશે અને ધ્વજાનું પૂજન કરવામાં આવશે. બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવા મંત્રીઓ અને નવા ચૂંટાયેલા MLA અને ખોડલધામ ટ્રસ્ટીઓ દ્વારા 52 ગજની ધ્વજાનું આરોહણ કરવામાં આવશે. જે બાદવિશાળ સભા યોજાશે. જેમાં ખોડલધામ દ્વારા પોતાના આગામી કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે.કાર્યક્રમ પૂર્ણ થયા બાદસમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવશે.