અંકિત પોપટ, રાજકોટ: ગોંડલ શહેરમાં યોજાયેલા લોકમેળામાં પાંચ દિવસ પૂર્વે એક જ દિવસમાં બે જેટલી દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું હતું. ગોંડલ નગરપાલિકામાં ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા કર્મચારીને તેમજ ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા યુવાનને વીજ શૉક લાગતા બંનેના મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બન્યાના ચાર દિવસ બાદ પોલીસે આખરે લોકમેળાના સાત આયોજકો તેમજ ઈલેક્ટ્રિક કામ કરનારા ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તમામની શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવનારા ભાવિક કિરીટભાઈ પોપટ નામની વ્યક્તિએ જણાવ્યું છે કે, ગત 18 ઓગસ્ટના રોજ હું મારા ઘરે હતો. ત્યારે અંદાજીત સાડા સાત આઠેક વાગ્યે મને મારા ભાઇ ભૌતિક સાથે ટી.આર.બી.માં નોકરી કરતા પાર્થ હુંબલએ ફોનમાં જણાવ્યું હતું કે, તમારા ભાઇ ભૌતિકને ઇલેકટ્રિક શૉક લાગ્યો છે."
ફરિયાદીએ વધુમાં જણાવ્યું કે, "પીએમ અર્થે મારા ભાઈની લાશને પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. મને હીતેશ કોબિયાએ વાત કરી હતી કે હું તથા પાર્થ તથા ભૌતિક એમ બધા સંગ્રામસિંહજી હાઇસ્કૂલના લોકમેળામા ગયા હતા. સ્ટેજની સામેના લોંખડના ટાવર પાસે અમે બધા ઊભા હતા. ત્યારે ટાવરમા મને તથા પાર્થને ઇલેકટ્રિક શૉક લાગતા અને બંને ફેંકાઇ ગયા હતા. ભૌતિકની પીઠ ટાવરમાં અડી જતા તેને ઇલેક્ટ્રિક શૉક લાગ્યો હતો અને ટાવર સાથે ચોંટી ગયો હતો."
"લાકડીથી અમે તેને ટાવરથી નોખો કરતા તે નીચે પડી ગયેયો હતો. સામે એમ્બ્યુલન્સ પડી હોવાથી હું તથા પાર્થ તથા ફાયર બ્રિગેડ જવાન ભૌતિકને લઇ જવા ઉંચકતા ફરીવાર શૉક લાગતા ફાયર બ્રિગેડના જવાન પણ ટાવર સાઇડ ફંગોળાઇ ગયા હતા. સારવાર અર્થે તેમને પણ ગોંડલ અને ત્યારબાદ રાજકોટ ખસેડવામાં આવતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. મારા ભાઇ સાથે જેમને શૉક લાગ્યો હતો અને મરણ ગયેલ હતા તેમનુ નામ નરસિંહ ઠાકોર છે. તેઓ ગોંડલ ફાયર બ્રીગેડમા નોકરી કરતા હતા."
ગોંડલ સિટી પોલીસ મથકમાં (૧)જયેશભાઈ નારણભાઈ સાનીયા (૨) મહેશભાઈ ઉર્ફે મયુર ચંદુભાઈ મેવાડા (૩ )સાગરભાઈ રાજુભાઈ મેવાડા (૪) સંજયભાઈ ભીમાભાઈ ડાંગર (૫ )ભરતભાઈ હરીભાઈ ગોલતર (૬) મનોજભાઈ રતાભાઈ લાંબકા (૭) વિજયભાઈ જેઠાભાઈ ટોળીયા (૮ )લોકમેળાનો ઇલેટ્રીક લાઈટિંગનો લોન્ટ્રાક્ટ રાખનાર પ્રદીપભાઈ ધનજીભાઈ વઘાસીયા તથા ઇલેટ્રીક લાઈટીંગનું ફીટિંગ કરનાર (૯ )અશ્વિન ભુપતભાઈ મોરખીયા (૧૦) નવનીત ધીરૂભાઈ લાલકીયા સામે સીટી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.