

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે શનિવારે તેની આગામી ફિલ્મ લક્ષ્મી બોમ્બનું પોસ્ટર શેર કર્યું હતું. પોસ્ટરમાં આંખમાં કાજલ લગાવી રહેલો તેનો લુક ખૂબ ચર્ચામાં રહ્યો. કહેવાય છે કે, આ ફિલ્મ સાઉથની સુપરહિટ ફિલ્મ કંચનાની રિમેક છે. જ્યાં એક બાજુ, ફિલ્મના પહેલાં પોસ્ટરને ખૂબ પસંદ કરવામાં આવ્યું, ત્યાં જ ફિલ્મ સાથે જોડાયેલા વધુ એક સમાચાર સામે આવી રહ્યાં છે.


ફિલ્મના ડાયરેક્ટર રાઘવ લોરેન્સે આ ફિલ્મ ડાયરેક્ટ ન કરવાનું નક્કી કર્યું છે. રાઘવે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે, તે આ ફિલ્મને છોડી રહ્યાં છે. રાઘવે લખ્યું કે, હેલ્લો મિત્રો, આ દુનિયામાં પૈસા અને ફેમથી વધુ એક વ્યક્તિ માટે તેનું આત્મસન્માન મહત્વ રાખે છે. આથી મેં નિર્ણય કર્યો છે કે, હું 'કંચના'ની હિંદી રિમેક 'લક્ષ્મી બોમ્બ'ને ડાયરેક્ટ નહીં કરું.


લોરેન્સે લખ્યું કે, હું આનું કારણ જણાવવા માગતો નથી. કેમ કે, તેની પાછળ કોઇ કારણ છે. પરંતુ આમાંથી એક એ છે કે, 18 મેના રોજ ફિલ્મનું ફર્સ્ટ લુક વગર મારી જાણકારીએ રીલિઝ કરી દેવામાં આવ્યું. જેના વિશે મારી સાથે કોઇ વાત કરાઇ નથી. આટલું જ નહીં, આ રીલિઝ અંગે મને કોઇ ત્રીજા વ્યક્તિથી જાણવા મળ્યું. એક નિર્દેશક માટે આ ઘણું મુશ્કેલીજનક હોય છે કે, તેની જ ફિલ્મના પોસ્ટર રીલિઝ વિશે તેને કોઇ બીજી વ્યક્તિ દ્વારા જાણવા મળે અને તેને પોતે તેના અંગે કોઇ જાણકારી ન હોય. મને બહુ અપમાન મહેસુસ થઇ રહ્યું છે અને દુ:ખ પણ છે. ત્યાં જ, એક ક્રિએટર તરીકે હું પોસ્ટરની ડિઝાઇન સાથે પણ ખુશ નથી.