Kutch: ત્રિરંગાની આન બાન શાનથી આજરોજ 76માં સ્વાતંત્ર્ય પર્વની (Independence Day 2022) કચ્છમાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની (Kutch Flag Hoisting) ઉજવણી અંજાર ખાતે કરવામાં આવી હતી. દેશભક્તિ અને દેશપ્રેમથી પૂર્ણ તિરંગામયી વાતાવરણમાં વિધાનસભા અધ્યક્ષ (Gujarat Assembly Speaker) ડૉ. નીમાબેન આચાર્ય (Nimaben Acharya) દ્વારા રાષ્ટ્રધ્વજ (Indian National Flag) ફરકાવવામાં આવ્યો હતો. તો સ્વાતંત્ર્ય પર્વની પરેડમાં વિધાનસભા અધ્યક્ષાએ 6 પરેડ પ્લાટુનનું નિરીક્ષણ કરીને સલામી ઝીલી હતી.
આ પ્રસંગે જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે વિવિધ નોંધનીય પ્રદાન આપનારા સાત આરોગ્યકર્મીઓને સન્માન પ્રમાણપત્ર તેમજ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતગર્ત સર્ટિફિકેટ વિતરણની ઉત્તમ કામગીરી માટે 06 હોસ્પિટલોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી. આ તકે અધ્યક્ષાએ જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે.ને તાલુકાના વિકાસ માટે રૂ.25લાખની ગ્રાન્ટનો ચેક અર્પણ કર્યો હતો.
આહિર ભવન વસંતવાડી, અંજાર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ડો. નીમાબેન આચાર્યએ સરકારની વિકાસગાથાની વિગતો આપીને જણાવ્યું હતું કે, આયુષ્માન ભારત પીએમજેએવાય- મા યોજના રાજ્યની જનતા માટે આર્શીવાદરૂપ બની છે. રાજ્યની 2500થી વધારે હોસ્પિટલમાં આ યોજના દ્વારા ફ્રીમાં સારવાર નાગરિકોને મળી રહે છે. કૃષિક્ષેત્રના વિકાસની વાત કરતા તેઓએ કહ્યું હતું કે, ગુજરાતનો કૃષિ વિકાસ દર છેલ્લા બે દાયકાથી ડબલ ડીજીટની આસપાસ જ રહ્યો છે.
પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમનો ઉલ્લેખ કરીને અધ્યક્ષાએ કહ્યું કે, ગુજરાતીઓએ આ કાર્યક્રમને જબ્બર પ્રતિસાદ આપ્યો છે જેના લીધે શહેરી વિસ્તારમાં ખુલ્લામાં શૌચ મુક્ત ગુજરાત સૌપ્રથમ રાજ્ય બન્યું છે. આજે દેશભરમાં 8.25 લાખ કરોડના ખર્ચે 1.21 કરોડ જેટલા આવાસ બનાવાયા છે. જેમાંથી 59 લાખ પરિવારોને ઘરનું ઘર મળી ચુક્યું છે. આપણા કચ્છ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) યોજના હેઠળ વર્ષ 2021-22 સુધીમાં 5231 પરિવારોને સહાય ચૂકવવામાં આવી છે.
‘નલ સે જલ’ યોજનામાં 96.51% ઘરોમાં નળ જોડાણ આપીને સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર છે. કચ્છની વર્ષો જુની માંગણીનો સ્વીકાર કરાતા હવે, કચ્છને નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણી ઉપલબ્ધ બનશે જેના માટે રૂ.4370 કરોડની વહીવટી મંજૂરી મળી ગઈ હોવાનો ઉલ્લેખ પણ તેઓએ કર્યો હતો. સફેદ રણ, પવિત્ર યાત્રાધામમાં માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર મંદિર, રુદ્રાણી માતાનું મંદિર વગેરે સ્થાનોના લીધે કચ્છ પ્રવાસનનું હબ બન્યું છે. વડાપ્રધાને સફેદ રણને નવી ઓળખ અપાવીને કચ્છને દુનિયાના નકશામાં મૂકી દીધું છે તેમ અધ્યક્ષાએ ગૌરવભેર ઉમેર્યું હતું.