અમદાવાદ : પોરબંદરના બરડા ડુંગર (Bardo Dungar) ખાતે 17 તારીખના રોજ વન વિભાગના મહિલા ગાર્ડ (Forest Woman Guard) સહિત ત્રણ લોકોની થયેલી હત્યા મામલે નવી વિગતો સામે આવી છે. આ મામલે મહિલા ગાર્ડના પિતાએ ફરિયાદ આપી છે. ફરિયાદમાં તેમણે વન વિભાગના એક ગાર્ડ સામે શંકાની સોય તાકી છે. તેમણે પોલીસને જણાવ્યું છે કે તેમની દીકરી, જમાઇ અને અન્ય એક મજૂર અને વન વિભાગનો અન્ય એક ગાર્ડ દારૂની ભઠ્ઠી (Desi Daru Den) પર દરોડો કરવા માટે ગયા હતા. બીજી તરફ પોલીસે પ્રાથમિક તબક્કે એવી વિગતો આપી છે કે આ હત્યા પ્રેમ-પ્રકરણમાં થઈ છે. આ ઉપરાંત શકમંદ વન વિભાગના ગાર્ડ વિરુદ્ધ બગવદર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોરબંદર જિલ્લા પોલીસ વડા પ્રેસ કૉન્ફરન્સ કરીને વિગતે માહિતી આપશે.
માંડલ ખાતે રહેતી વશરામભાઈ પાલાભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવી છે કે તેમની દીકરી હેતલ ફોરેસ્ટ ગાર્ડ તરીકે ગોઢાણા બીટમાં ફરજ બજાવતી હતી. દીકરીના લગ્ન સાત વર્ષ પહેલા સુરેન્દ્રનગરના સડલા ગામ ખાતે રહેતા શિક્ષક કિરીટ સોલંકી સાથે થયા હતા. હેતલનો પતિ પોરબંદરના રાતડી ગામ ખાતે ફરજ બજાવતા હતા. ફરિયાદીના કહેવા પ્રમાણે તેમની દીકરીને સાતમો મહિના ચાલી રહ્યો હતો. થોડા જ દિવસમાં તેનો સીમંત પ્રસંગ પણ હતો.
ગાર્ડ પર તરફ શંકાની સોય : વશરામભાઈએ પોતાની ફરિયાદમાં લખાવ્યું છે કે, 15મી ઓગસ્ટના રોજ બપોરે દોઢ વાગ્યાની આસપાસ તેમની વાતચીત દીકરી અને જમાઈ સાથે થઈ હતી. વાતચીત દીકરીએ કહ્યું હતું કે તેણી તેના પતિ, વન વિભાગના એક રોજમદાર નાગભાઈ આગઠ અને એક ગાર્ડ એલ.ડી. ઓડેદરા સાથે બરડામાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો કરવા ગયા છે. પિતાએ ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે, દીકરીએ એવું કહ્યું હતું કે વન વિભાગના ગાર્ડ એલ.ડી. ઓડેદરાને બરડામાં દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની માહિતી મળી છે. આ માટે તેઓ રજના દિવસે દારૂની ભઠ્ઠી પર દરોડો કરવા ગયા હતા.
સાંજે ફોન પર સંપર્ક ન થતા વન વિભાગને જાણ કરી : દીકરી અને જમાઇ દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવા ગયાની જાણ બાદ વશરામભાઈએ સાંજે તેમનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તમામ લોકોને સંપર્ક ન થતા તેઓએ વન વિભાગને જાણ કરી હતી. બીજા દિવસે વન વિભાગને ગોઢાણા બીટ વિસ્તારમાંથી મહિલા ગાર્ડ જે ગાડીમાં ગઈ હતી તે ગાડી મળી આવી હતી. આ ઉપરાંત નજીકમાં ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. તપાસ કરતા આ મૃતદેહ હેતલ, તેમના પતિ અને વન વિભાગના મજૂર નાગભાઈનો હતો. પોલીસ તપાસમાં માલુમ પડ્યું હતું કે તમામની હત્યા તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કરવામાં આવી છે.
આખો ઘટનાક્રમ : 15મી ઓગસ્ટના રોજ બરડામાં ડુંગરમાં ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હોવાની માહિતી બાદ પેટ્રોલિંગમાં ગયેલા મહિલા ગાર્ડ તેમના પતિ અને વન વિભાગના એક રોજમદાર ગુમ થઈ ગયા હતા. આ મામલે 16મી તારીખે મહિલા ગાર્ડના સસરાએ બગવદર પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ આપી હતી. જે બાદમાં 17મી તારીખે ગુમ થયેલા ત્રણેય લોકોનો મૃતદેહ મળી આવ્યા હતા.
20 દિવસ પછી સીમંત પ્રસંગ હતો : સુરેન્દ્રનગરના સડલા ગામના યુવક કિરીટ રાઠોડના પિતાના જણાવ્યા પ્રમાણે તેમને બે દીકરામાંથી મોટો દીકરો ગાંધીધામમાં નોકરી કરે છે જ્યારે નાનો દીકરો કિરીટ શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. તેમની પુત્રવધૂ ત્રણ વર્ષ પહેલા વન વિભાગમાં નોકરી પર લાગી હતી. 2013ના વર્ષમાં બંનેના લગ્ન થયા હતા. દીકરો અને વહુ 20 દિવસ પછી સીમંત માટે સડલા ગામ આવવાના હતા.