પ્રતિશ શિલુ, પોરબંદર: પાકિસ્તાન મેરીટાઈમ એજન્સી (Pakistan Maritime security agency) દ્વારા ગત 18 તારીખના રોજ 10 બોટ અને 44 જેટલા ભારતીય માછીમારો (Gujarat Fishermen Kidnapped)ના અપહરણ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની શાહી હજુ સુકાઈ ન હોય ત્યાં ફરી એક વખત પોરબંદર (Porbandar)ની બોટ પર પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સીએ ચાર રાઉન્ડ ફાયરિંગ (Firing) કરવાની નાપાક હરકત કરી છે. આ દરમિયાન એક ગોળી બોટના ટંડેલના હાથમાં લાગતા તે ઈજાગ્રસ્ત બન્યો હતો.
ઇજાગ્રસ્ત બોટના ટંડેલ સહિતના બોટમાં સવાર માછીમારો બોટ સાથે આજે પોરબંદર બંદર પર પહોંચ્યા હતા. અહીં ઈજાગ્રસ્ત ટંડેલને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ઈજાગ્રસ્ત ટંડેલે જણાવ્યું હતું કે, "આ બોટ સિવાય અન્ય બે બોટ જેમાં વેરાવળ અને ગરોળની બોટ પર પણ પાકિસ્તાન મેરીટાઈમ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યુ હતું. હાલ પોલીસે બોટમાંથી પરત આવેલા ટંડેલ સહિતના તમામ પાંચેય માછીમારોની પૂછપરછ સહિત આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગની નિશાની બોટના કાચ પર નિશાની સ્વરૂપે જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે જ પાકિસ્તાને ભારતની 10 બોટ સહિત 44 માછીમારના અપહરણ કરી લીધા હતા.
સાંસદ રાજેશ ચુડાસમાએ સંસદમાં માછીમારીનો વેદનાને વાચા આપી: જૂનાગઢ-ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાએ ગીરના માછીમારોની વેદનાને સંદમાં વાચા આપી છે. સંસદના વર્તમાન સત્રમાં રાજેશ ચુડાસમાએ પાકિસ્તાનની જેલમાં ત્રણ વર્ષથી બંધ ગીર-સોમનાથનાં 271 જેટલા માછીમારોને છોડાવવા સંસદમાં રજુઆત કરી હતી. સાંસદની રજુઆત બાદ પાકિસ્તાનની જેલમાં સબડી રહેલા ગુજરાતના માછીમારોનો બહુ ઝડપથી છૂટકારો થાય તેવી આશા જીવંત બની છે.