ગુજરાત સહિત દેશભરમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધી જન્મભૂમી તરીકે વિશ્વભરમાં જાણીતા પોરબંદરમાં દેશ-વિદેશનાં પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓને આકર્ષવા માટે કરોડો રૂપીયાનાં ખર્ચે વિલા સર્કિટ હાઉસ નજીક ગાંધી સ્મૃતિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતુ, જેનું ઉદઘાટન ગુજરાતનાં તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે કરવામાં આવ્યું હતું, પરંતુ આજે આ સ્મૃતી ભવનના ગ્રંથાલય અને સંગ્રાહલયની યોગ્ય જાળવણી નહીં થતી હોવાથી ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયા છે. પ્રતીશ શીલુ, પોરબંદર
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિમાં ગાંધી જન્મસ્થળની મુલાકાતે દેશ-વિદેશનાં પ્રવાસીઓ આવતા હોય, આથી રાજ્ય સરકારે પ્રવાસીઓને આકર્ષવા માટે ચોપાટી નજીક અનેક વાદ-વિવાદો બાદ ગાંધી સ્મૃતિભવનનું નિર્માણ કર્યું હતું. નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સ્મૃતિભવનના સંગ્રાહલયમાં ગાંધીજીની કેટલીક દુર્લભ તસ્વીરો તેમજ યાદગાર પ્રતિકૃતિઓ મુકવામાં આવી છે તો ગ્રંથાલયમાં ગાંધીજીના જીવન પર આધારીત પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
સ્મૃતીભવનના લોકાર્પણ બાદ સ્મૃતિભવનનું સંચાલન રાજ્યસરકારનાં યુવા અને સાંસ્કૃતિક વિભાગને સોંપવામાં આવ્યું છે. પરંતુ હાલ આ ગાંધી સ્મૃતિભવન ફક્ત શોભાના ગાઠીયા સમાન બની ગયું છે, સ્ટાફના અભાવે આજ દીન સુધી ગ્રંથાલયના કબાટમાં રહેલા ગાંધીજીના પુસ્તકો બહાર જ નથી આવ્યા, એટલે કે કબાટનું તાળું જ નથી ખુલ્યું.
સમગ્ર દુનિયા જેને વિશ્વવિભૂતી અને મહામાનવ ગણે છે તેવા ગાંધીજીના જન્મસ્થળ ખાતે આવેલી તેમની સ્મૃતી ભવનની હાલત દયનીય જોવા મળી રહી છે. ત્યારે કરોડો રુપિયા ખર્ચીને નિર્માણ કરાયેલા આ ગાંધી સ્મૃતીભવનના સુચારુ સંચાલન માટે સરકાર આ સ્મૃતિભવન ખાતે પબરતા પ્રમાણમાં સ્ટાફ અને યોગ્ય જાળવણી પણ કરે તે જરુરી છે.