

અમદાવાદ : શહેરમાં આજે સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટનાં વિરોધની મિશ્ર અસર જોવા મળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. શહેરનાં સરદારબાગ પાસે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે ટોળાને વિખેરવા હળવા લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. જેના કારણે એકઠા લોકોમાં દોડભાગ મચી હતી. આ વિરોધમાં પોલીસે 10થી વધારે લોકોની અટકાયત પણ કરી હતી. આ સાથે શહેરમાં સવારે પણ કોલેજનાં વિદ્યાર્થીઓએ પણ વિરોધ વિરોધ કર્યો હતો. જેમની પણ અટકાયત કરવામાં આવી હતી. એનએસયુઆઈનાં કાર્યકર્તાઓએ પણ વિરોધ કરતાં તેમની પણ અટકાયત કરી હતી.


આજ સવારથી શહેરના કોટ વિસ્તાર જેમકે લાલ દરવાજા, રિલીફ રોડ અને તેની આસપાસનાં વિસ્તારોની દુકાનો બંધ જોવા મળી હતી. આ સાથે રિલિફ રોડ પર પણ મોટી સંખ્યામાં લોકો આવી ગયા હતાં. જેમને પોલીસે આવીને ભેગા ન થવાની અપિલ કરી હતી.


શહેરમાં વહેલી સવારથી લાલદરવાજા, ઢાલગરવાડનું કાપડ બજાર, જમાલપુર, જુહાપુરા સંપૂર્ણપણે બંધ પાળવામાં આવ્યો છે. તેમજ CAA-NRCના કાળા કાયદાના વિરોધમાં 19-12-2019ના રોજ ઢાલગરવાડ કાપડ બજાર બંધ રહેશે તેવા બેનરો લગાવવામાં આવ્યા છે.


શહેરનાં સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને અન્ય ટીમો તૈનાત કરી દેવાઇ છે. સાથે પોલીસે જરૂર પડે તો વધારાની કંપનીઓ મંગાવવાની પણ તૈયારી રાખી છે. સાથે તમામ પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારમાં હાજર રહેવા માટે આદેશ આપી દેવાયા છે. તમામ પોલીસ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, CAA અને NRC બિલના મુદ્દે દિલ્હી સહિત અન્ય શહેરોમાં પ્રદર્શન દરમિયાન હિંસાના બનાવો બન્યા હતા. તેને જોઇને શહેરમાં શાંતિ જળવાઇ રહે તે માટેનાં બનતા પ્રયાસો કરવામાં આવ્યાં છે.