

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ લગ્નગ્રંથીથી જોડાવા જઈ રહ્યો છે. હાર્દિક 27 જાન્યુઆરીએ પોતાની વાગ્દત્તા અને નાનપણની મિત્ર કિંજલ પરીખ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. હાર્દિક-કિંજલના લગ્ન સુરેન્દ્રનગરના દિગસાર ગામમાં યોજાશે. મળતી માહિતી મુજબ હાર્દિકના લગ્ન ખૂબ જ સાદાઈથી આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે.


મીડિયા રિપોર્ટ અનુસાર, કિંજલ પરીખ વૈષ્ણવ વણિક પરિવારમાંથી આવે છે. કિંજલ કોમર્સ ગ્રેજ્યુએટ છે. તે હાલમાં ગાંધીનગરમાં એલએલબીનો અભ્યાસ કરી રહી છે.


હાર્દિક પટેલના પિતા ભરત પટેલે ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, હાર્દિક અને કિંજલ એક જ વિસ્તારમાં રહેતા હતા અને નાનપણથી જ એક-બીજાને ઓળખતા હતા. અમે અને કિંજલના પરિવારે લગ્ન 27 જાન્યુઆરીએ આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, હાર્દિકના પિતાએ કિંજલની જ્ઞાતિ વિશે સ્પષ્ટ કરતાં કહ્યું કે, આ આંતર-જ્ઞાતિ લગ્ન નથી. કિંજલ પરીખ પટેલ છે અને તે અમારા પાટીદાર સમાજની છે.


મળતી માહિતી મુજબ, કિંજલ અનેકવાર હાર્દિકના ઘરે આવતી હતી. કિંજલ અને હાર્દિકની બહેન મોનિકાની સાથે અભ્યાસ કરતી હતી. ભરત પટેલનું કહેવું છે કે, કિંજલનો પરિવાર સુરતથી છે પરંતુ થોડાક સમય પહેલા તેઓ વિરમગામ આવ્યા હતા.


આ પહેલા હાર્દિક પટેલના પરિવારે માર્ચ 2016માં જાહેરાત કરી હતી કે તેમના દીકરાની સગાઈ થઈ ગઈ છે. તે સમયે હાર્દિક દેશદ્રોહના કેસમાં જેલમાં કેદ હતો.


લગ્નમાં લગભગ 100 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમાં બંને પરિવારના નિકટના લોકો સામેલ થશે. મળતી માહિતી મુજબ લગ્ન પાટીદાર રિવાજ મુજબ થશે. હાર્દિકના લગ્નની જાહેરાતની સાથોસાથ તે અફવાઓ પર વિરામ લાગી ગયો છે કે જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે તેની સગાઈ તૂટી ગયા છે. તેની સાથે જ એ અટકળોએ પણ વેગ પકડ્યું છે કે હાર્દિક પટેલ 2019ની લોકસભા ચૂંટણી લડશે.