

પાટીદાર નેતા હાર્દિક પટેલના લગ્નની વિધિ શરૂ થઇ ગઇ છે. વિરમગામ સ્થિત તેના ઘરે મંડપ વિધિ યોજાઇ હતી, ત્યારબાદ સાંજે ડાંડિયા રાસનો પ્રોગ્રામ હશે.(નવીન ઝા, અમદાવાદ)


ઉલ્લેખનીય છે કે હાર્દિકના લગ્નમાં પરિવારના જ નજીકના જ સગાને આમંત્રણ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દિગસર ગામે પાટીદાર નેતા હાર્દિક પટેલના 27 જાન્યુઆરીએ લગ્ન યોજાવાના છે.


લગ્નમાં કુટુંબીજનો સહીત અંદાજે 400 લોકો હાજર રહે તેવો અંદાજ છે. આજે લગ્નની તમામ વિધિ વિરમગામમાં આવેલા હાર્દિકના ઘરે થઈ રહી છે. આવતીકાલે રવિવારે સવારે હાર્દિક તેમજ કિંજલ બંનેના પરિવારજનો દિગસર પહોંચશે. જ્યાં સવારે 10 વાગ્યાનું હસ્તમેળાપનું મુહૂર્ત છે. ત્યારબાદ અંદાજે 3 વાગ્યા સુધીમાં લગ્નની વિધી પૂર્ણ થાય તેવું જાણવા મળી રહ્યું છે.


દિગસર ગામમાં હાર્દિકના ત્રીજી ચોથી પેઢીના કૌટુંબીક સગાઓ હાલ રહે છે. ગામમાં આવેલા બહુચર માતા અને મેલડી માતાના મઢે હાર્દિક અને કિંજલ તારીખ 27 જાન્યુઆરીના રોજ લગ્નગ્રંથીથી જોડાઇને પ્રભુતામાં પગલા પાડશે.


અગાઉ હાર્દિકના પિતા તેમજ દાદા સહિતના વડીલો માતાજીના મઢે કંકોત્રી મુકવા ગયા હતા. ત્યાર બાદ હવે હાર્દિક સહિતના કુટુંબીજનો લગ્નના દિવસે એટલે કે રવિવારે વહેલી સવારે જ દિગસર જશે.


ઉલ્લેખનીય છે કે હાર્દિકની પત્ની કિંજલનો પરિવાર પણ હાર્દિકના પરિવારની જેમ મૂળ વિરમગામનો છે અને હાલ સુરતમાં રહે છે.


27 જાન્યુઆરીએ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દિગસર ગામે હાર્દિક પટેલના કુળદેવી સમક્ષ હાર્દિક અને કિંજલ લગ્ન ગ્રંથીથી જોડાઈ જશે.