હેમંત ગામિત, વ્યારા: તાપી જિલ્લામાં વર્ષોથી જંગલોમાં ઉગતાં વાંસમાંથી પરંપરાગત ટોપલા ટોપલીઓ બનાવીને જીવનનિર્વાહ કરતાં કોટવાડિયા આદિમ જૂથની વ્યારાના કણજા ગામની એલ.એલ.બી થયેલ સુનિતાબેન કોટવાડિયા નામની યુવતીએ ગામની દસ જેટલી મહિલાઓનું જૂથ બનાવી વાંસમાંથી ડેકોરેશન સહિત ઘર વપરાશ માટે ઉપયોગી અવનવી ચીજવસ્તુઓ હસ્ત કારીગરી પ્રાપ્ત કરી છે.
ખાસ કરીને તાપી જિલ્લામાં વાંસ પૂરતા પ્રમાણમાં મળતાં નથી ત્યારે તાપીનાં વ્યારા તાલુકાની કણજા ગામની કોટવાડિયા આદિમ જૂથની બહેનોએ હવે નવો પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં કોટવાડિયા સમાજની બહેનો જુથ મંડળી બનાવી દૂરના રાજ્ય એવા છેક આસામ, ગોવા સહિતના રાજ્યોમાંથી વાંસ મંગાવીને વાંસમાંથી પાણી પીવાના ગ્લાસ, પાણીની બોટલો, મોબાઇલ સ્ટેન્ડ, ઘરની ડેકોરેશનની આઈટમો, વાંસનાં ટેબલ, ખુરસી સહિત ફર્નિચર બનાવવાનું કાર્ય હાથ ધરી સારી આજીવિકા તરફ આગળ વધી રહી છે.
વર્ષોથી ખેતીની જમીનનાં હોવાથી આ કોટવાડિયા સમાજનાં લોકો જંગલોમાંથી વાંસ કાપવાનું કામ કરતા આવ્યા છે અને તે વાંસમાંથી ટોપલા, ટોપલીઓ બનાવી તેનું વેચાણ કરી તેમનું જીવન ગુજારતાં હોય છે ત્યારે હાલના સમયમાં જંગલોનું પ્રમાણ ઘટતા પુરતા પ્રમાણમાં વાંસનાં મળતા કોટવાડિયા સમાજની હાલત લથડી હતી ત્યારે તાપીનાં વ્યારા તાલુકાનાં કણજા ગામની કોટવાડિયા સમાજની બહેનો આગળ આવી સરકારનાં માઘ્યમથી હસ્ત કલાની તાલીમ મેળવી ગામની બહેનોએ મહિલા જુથ બનાવીને નવો પ્રયોગ હાથ ધર્યો છે.
ગામની કોટવાડિયા સમાજની બહેનો અહીં સ્થાનિક વિસ્તારોમાં વાંસ ન મળી રહેતા રાજ્યની બહાર આસામ-ગોવાથી વાંસ મંગાવીને હવે તે વાંસમાંથી વાંસનાં ગ્લાસ, પાણીની બોટલ, મોબાઇલ સ્ટેન્ડ, ઘર ઓફિસ ની વિવિધ ડેકોરેશન ની આઈટમો, સહિત ટેબલ, ખુરશી સહિત ફર્નિચર જેવી વસ્તુઓ બનાવી તેના વેચાણ થકી સારી એવી આવક મેળવી રહી છે.