Prashant Samtani, Panchmahal: આત્મનિર્ભર અને સ્વનિર્ભર બનવા માટે જ્યારે કોઈને આર્થિક મદદ કરવામાં આવે છે , તો તે મદદ ટૂંક સમય માટેની હોય છે. જ્યારે તે વ્યક્તિ પાસે નાણા ખતમ થશે તો ફરીથી વ્યક્તિ, મૂળ સ્થિતિમાં આવી જશે તેવી ઘણી સંભાવના રહે છે, પરંતુ જો તે વ્યક્તિને પોતે રૂપિયા કમાઈ શકે તેવી કળા (તાલિમ) શીખવાડવામાં આવે તો તે, તેના માટે જીવનભરની મદદ ગણાશે.
તેવા જ સૂત્રને સાર્થક કરતા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા રણજીતનગર ખાતે એક ખાનગી કંપની ગૂજરાત ફ્લુરોકેમિકલ્સ લિમિટેડ દ્વારા નિસહાય બહેનો માટે ટ્રેનિંગ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મહિલા ઓને જૂટ ઉદ્યોગમાં જુદા જુદા પ્રકારની બનાવટો બનાવતા શીખવવામાં આવે છે. તાલીમ લીધા બાદ મહિલાઓ સેન્ટર ખાતે જ પ્રોડક્ટ્સ બનાવી શકે તે રીત ની જગ્યા ,મશીન ,લાઈટ વગેરે પણ ઉપલબ્ધ કરવામાં આવે છે.
રણજીતનગર ખાતે સિલાઈ અને જૂટની જુદી જુદી આઈટમો બનાવવા માટે એક્સપર્ટ્સને બોલાવીને અહીંની બહેનોને તાલીમ આપવામાં આવે છે , જે તાલીમમાં બહેનોને જુદા જુદા પ્રકારના બેગ ની જુદી જુદી વેરાઈટીઓ બનાવવાનું શીખવવામાં આવે છે. જેમાં મુખ્યત્વે ઘર વપરાશની બેગો, લેપટોપ બેગ, ટીવી કવર , સ્કુલ બેગ, મોબાઈલ બેગ , પર્સ વગેરે. તાજેતરમાં જ રણજીત નગરની બહેનો દ્વારા દિલ્હી ખાતે આયોજિત બિઝનેસ એક્સપોમાં ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં રણજીતનગરની બહેનો દ્વારા બનાવવામાં આવેલ જૂટની અઢી લાખ રૂપિયાની આઈટમો નું વેચાણ થયું હતું .
ગોગંબા તાલુકાની નજીકમાં આવેલ હાલોલ ની જીઆઇડીસી માંથી ઘણી બધી કંપનીઓ પોતાની કંપનીના કર્મચારીઓને ગિફ્ટ આપવા માટે રણજીતનગરની બહેનો દ્વારા બનાવવામાં આવતી જૂટ ની આઈટમો કોર્પોરેટ ગિફ્ટ તરીકે ખરીદીને તેમને સારી એવી રકમની ચુકવણી કરવામાં આવે છે. આમ જ રણજીતનગરમાં જુટ ઉદ્યોગનો પાયો મુકાયો છે અને અહીંની બહેનો તાલીમ લીધા બાદ સફળ વેપાર કરી રહી છે.
જીએફએલ કંપનીના ટ્રેનીંગ સેન્ટર માંથી તાલીમ લીધેલ એક સફળ બની ચૂકેલ મહિલા સોલંકી પાર્વતી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમણે જીએફએલ કંપનીના ટ્રેનિંગ સેન્ટરમાંથી 3 મહિના ની તાલીમ લીધી હતી , તે બાદ તેઓને કંપની દ્વારા સિલાઈ મશીન , જગ્યા લાઈટ ની વ્યવસ્થા કરી આપવામાં આવી અને તે રીતે સિલાઈ કામની શરૂઆત કરી હતી. આજે બે વર્ષ થયા છે અને તેઓ ખૂબ સારો વેપાર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે .
તેમની સાથે ઘણી બધી એવી બહેનો હતી ,જે પહેલા નાની મોટી મજૂરી અથવા લોકોના ઘરનું કામ કરીને બીજા પર નિર્ભર રહીને પોતાના પરિવારનું ગુજરાન કરતી હતી, પરંતુ તાલીમ લીધા બાદ તેઓ પોતાનો નાનો મોટો વેપાર શરૂ કરીને કોર્પોરેટ ગિફ્ટ આઈટમો બનાવીને હવે સારો એવો વેપાર કરી રહી છે.કંપનીના વિનોદ વસાવા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે , વધુને વધુ મહિલાઓ ટ્રેનિંગ સેન્ટર ખાતે તાલીમ લઈ આત્મનિર્ભર બને તેવો કંપનીનો મુખ્ય હેતુ છે .