રાજેશ જોશી, પંચમહાલ : ખેડાના (Kheda) માતરના (Matar) ભાજપી ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી (BJP MLA Kesri Sinh solanki) અને સાત મહિલાઓ સહિત કુલ 26 વ્યક્તિઓ હાલોલના શિવરાજપૂર જીમીરા રિસોર્ટમાં જુગાર રમતાં રંગે હાથ પંચમહાલ એલસીબીએ ઝડપી લીધા છે.પોલીસે 3.80 લાખ રોકડા,1.15 કરોડની આઠ ગાડીઓ અને છ બોટલ વિદેશી દારૂ કબ્જે લીધો છે.ઉલ્લેખનીય છેકે જુગારની મહેફિલ માણતા ઝડપાયેલા ધારાસભ્ય એક તબક્કે મીડિયાના કેમેરા સામે મોઢું છુપાવવાનો પ્રયાસ કર્યો હતો
પંચમહાલ જિલ્લાના હાલોલના શિવરાજપૂર ખાતે આવેલા જીમીરા રિસોર્ટમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પંચમહાલ એલસીબીને મળી હતી. જે આધારે એલસીબી અને પાવાગઢ પોલીસે રિસોર્ટ ખાતે ગુરુવારની મોડી સાંજે છાપો માર્યો હતો.દરમિયાન રિસોર્ટના એક રૂમમાં ખેડા જિલ્લાના માતરના ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી ,સાત મહિલાઓ અને અન્ય નબીરાઓ મળી કુલ 26 વ્યક્તિઓ મળી આવ્યા હતા.
જેઓ દ્વારા કોઈન વડે કેસીનો જુગાર રમી રહ્યા હોવાનું જણાય આવ્યું હતું.વળી જુગાર રસિયાઓ પાસે છ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી જે જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી.પોલીસે તમામની તપાસ કરતાં 3.80 લાખ રોકડા મળ્યા હતા.પોલીસે પ્લાસ્ટિકના કોઈન ,પત્તાની કેટ અને ધારાસભ્ય ફોર્ચુનર કાર સહિત કુલ આઠ વાહનો કબ્જે લીધા છે.