Prashant Samtani, Panchmahal: લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે કંપનીઓ લોકોની સવલતો મુજબ જુદા જુદા પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય છે, કંપની જ્યારે કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે , ત્યારે તે કુદરતના ઘણા સંસાધનોનો ઉપયોગ કરે છે , કુદરતના સંસાધનોમાં મુખ્યત્વે પાણી, જમીન, સૂર્યપ્રકાશ, હવા ઓક્સિજન વગેરે કુદરતના અમૂલ્ય સંસાધનોનો ઉપયોગ કરીને લોકોનું જીવન વધુ સરળ બને તે માટે જુદા જુદા પ્રકારની ચીજ વસ્તુઓ ,સાધનો તથા ઘણા પ્રકારની પ્રોડક્ટસનું ઉત્પાદન કરતા હોય છે.
જ્યારે કોઈ એકમ કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે , ત્યારે તે મહદ અંશે વાતાવરણમાં પ્રદૂષણ પણ ફેલાવે છે , હાલમાં ભારત દેશ તેમજ સમગ્ર વિશ્વના દેશો પ્રદૂષણની બાબતમાં ખૂબ જ ધ્યાન દઈને પ્રદૂષણને ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે . આ ઉપરાંત કારખાના અને ફેક્ટરીઓમાંથી નીકળતા વેસ્ટને નષ્ટ કરવા માટે જુદા જુદા પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિઓ નો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ગામ ખાતે આવેલ જી.એફ.એલ (ગુજરાત ફ્લોરો કેમિકલ ) નામની કંપનીએ પર્યાવરણને બચાવવા માટે અને પર્યાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધે તે હેતુસર રણજીત નગર પંચાયત સાથે મળીને ત્રણ થી ચાર એકર જેટલી ખાલી પડેલી ગૌચર જગ્યામાં આશરે 6500 જેટલા વૃક્ષોનું વાવેતર કરી ચૂક્યા છે.
જીએફએલ કંપનીનો મુખ્ય હેતુ પર્યાવરણમાં પ્રદૂષણનો વધારો અટકાવવાનો છે અને વૃક્ષોના કારણે પર્યાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધે , તેમ જ ગામડાની શુદ્ધ હવા , શહેરની હવા જેવી પ્રદૂષિત ન થાય .તે હેતુને સિદ્ધ કરી રણજીત નગર ગામની ત્રણથી ચાર એકર જેટલી ગૌચર જગ્યામાં કૃત્રિમ પ્રકારના જંગલ નું નિર્માણ કાર્ય હાથ ધર્યું છે.
2019 થી શરૂ કરીને 2022 સુધીમાં જીએફએલ કંપનીના વોલંટીયર્સ ,ગ્રામ પંચાયતના સભ્યો અને આજુબાજુની શાળાના બાળકોએ વિરાન પડેલી જમીનને હરિયાળી ધરાવતા જંગલમાં ફેરવી દીધી છે.જીએફએલ કંપનીના જનરલ મેનેજર જીગ્નેશ મોરી સાથે વાત કરતા તેઓ એ જણાવ્યું કે" મુખ્યત્વે રણજીત નગરમાં બનાવવામાં આવેલ કુત્રિમ જંગલમાં વડ, પીપળો, બોરસલી , ગુલમહોર , ગરમાળો વગેરે જેવા વૃક્ષના છોડને વાવીને તેની માવજત કરવામાં આવતી હોય છે.
જીએફએલ કંપનીએ પોતાના સીએસઆર એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ભંડોળનો ઉપયોગ કરીને આશરે ચારથી પાંચ લાખ રૂપિયાના ખર્ચે કૃત્રિમ જંગલ નું નિર્માણ કરવાનું કાર્ય હાથ ધર્યું છે, આ કૃત્રિમ જંગલ ગોગંબા તાલુકાના રણજીતનગર ગામમાં સબ સ્ટેશન નજીક આવેલું છે .આ કંપનીનો મુખ્ય હેતુ ગામના લોકોને શુદ્ધ ઓક્સિજન વાળી હવા મળે તેમ જ પર્યાવરણમાં પ્રદૂષણ ઓછું થાય અને કંપની દ્વારા કરવામાં આવેલા કાર્યથી પ્રેરાઈને અન્ય કંપનીઓ પણ પોતાના સીએસઆર ફંડને લોક ઉપયોગી કાર્યોમાં વાપરે.
તે હેતુથી આ જંગલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ કંપની દ્વારા છેલ્લા ત્રણ વર્ષોથી વૃક્ષોને પાણી ખાતર તેમજ જરૂરી તમામ ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે .અને જ્યારે વૃક્ષો મોટા થઈ જશે, ત્યારે કંપની દ્વારા સમગ્ર કૃત્રિમ જંગલ નું સંચાલન અને માલિકી ગ્રામ પંચાયતને પરત આપી દેવામાં આવશે. તે રીતનું આયોજન પંચાયત અને કંપની વચ્ચે નક્કી કરવામાં આવેલ છે."જી એફ એલ કંપની દ્વારા કરવામાં આવેલ આ કાર્યને ગામના લોકો પણ ખૂબ વખાણી રહ્યા છે , ઉપરાંત અન્ય બીજી કંપનીઓ પણ આ કાર્યને જોઈને , પર્યાવરણને બચાવવાની દિશામાં આ પ્રકારના કાર્યો કરવા પ્રેરાય છે.