ગોધરા: ગોધરામાં કિન્નર સમાજે સમાજમાં માનવતા અને માણસાઈનો દાખલો પૂરો પાડ્યો છે. કિન્નર સમાજના સંગીતા દેએ દત્તક લીધેલી કન્યાના આજ રોજ લગ્ન કરાવી સમાજમાં ઉદાહરણરૂપ દાખલો બેસાડ્યો છે. સંગીતા દેએ વર્ષો અગાઉ દારૂણ સ્થિતિમાં જીવન વ્યતિત કરતી પાંચ દીકરીઓને દત્તક લીધી હતી. કિન્નરોએ પાંચેય દીકરીઓના અભ્યાસ સહિતનો તમામ ખર્ચ ઉપાડ્યો છે. આજ રોજ ધામધૂમપૂર્વક કિન્નરોએ સૌથી મોટી દીકરી જાગૃતિના લગ્ન ભારે ઉત્સાહ સાથે કર્યા છે. લગ્ન પ્રસંગે મોટી સંખ્યામાં કિન્નર સમાજના લોકો સહિત સગા-સંબંધીઓએ હર્ષોલ્લાસ સાથે હાજરી આપી હતી. કિન્નરોએ જાણે પોતાની દીકરી હોય એવા હરખ સાથે લગ્ન પ્રસંગ કર્યો હતો. હિંદુ શાસ્ત્રોક્તવિધિ પ્રમાણે લગ્નની તમામ વિધિ કરવામાં આવી હતી ત્યારે દીકરીએ પણ કિન્નરોના આશીર્વાદ લઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.
કિન્નર સમાજે ઉદાહરણરૂપ દાખલો બેસાડ્યો છે. કિન્નર સમાજ દ્વારા દારૂણ સ્થિતિમાં જીવન વ્યતિત કરતી પાંચ દીકરીઓને દત્તક લેવામાં આવી છે, જેમનું અભ્યાસ સહિતનો ખર્ચ કિન્નર સમાજ ઉપાડી રહ્યો છે, તેમજ દત્તક લીધેલી પાંચ દીકરીઓ પૈકી એક દીકરીના આજ રોજ ગોધરા ખાતે ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા છે, જેના માધ્યમથી કિન્નર સમાજનો માનવતાવાદી વલણ સામે આવ્યું છે.
ગોધરામાં કિન્નર સમાજે અનોખી પહેલ કરવા સાથે સમાજના મધ્યમ વર્ગીય પરિવારની પાંચ દીકરીઓને દત્તક લઈ તેઓના લગ્ન સુધીનો તમામ ખર્ચ ઉપાડવાનો સંકલ્પ કર્યો છે, જે પૈકી એક દીકરીનું ગોધરા ખાતે ધામધૂમથી ગુરુવારે કિન્નર સમાજ દ્વારા વિધિવત રીતે લગ્ન કરવામાં આવ્યા હતા, આ પ્રસંગે કિન્નર સમાજ અગ્રણીએ જણાવ્યું હતું કે, સમાજમાં અમારું સ્થાન ભલે ના હોય પરંતુ અમે પણ એક સામાજિક વ્યક્તિ છીએ અને અમે અમારા દીકરીના લગ્ન કરાવવાના અભરખા પૂરા કરવા માટે દીકરીઓને દત્તક લીધી છે, સાથે જ સમાજ દ્વારા અમને આપવામાં આવતા દાનમાં પૈકી કેટલો કિસ્સો અમે સમાજ માટે જ અર્પણ કરી અમારા આવતાં ભવ અને સુધારવા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ. નોંધનીય છે કે, કિન્નર સમાજ દ્વારા ગોધરા લુહાર સુથારવાડી ખાતે દત્તક લીધેલી દીકરીના લગ્ન પ્રસંગે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તમામ વિધિ સંગીતા દે અને રીન્કુ દે દ્વારા કરવામાં આવી હતી.