Nidhi Dave, Vadodara: રાજ્યના આદિવાસી અને દુર્ગમ પ્રાંતોમાં પણ યુવાનોને ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં શરૂ કરવામાં આવેલી કોલેજોએ જ્ઞાનનો દીપક પ્રજ્જવલિત કરવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને જ્યાં મહાશાળા હોવી એ પણ ગૌરવપૂર્ણ બાબત છે, એવા વિસ્તારોની યુવતીઓ માટે તો ઉચ્ચશિક્ષણના નવા દ્વાર ખુલ્યા છે- જાંબુઘોડા સ્થિત સરકારી આર્ટ્સ અને સાયન્સ કોલેજે.
પાવગઢથી જાંબુઘોડા જાઓ એટલે જાંબુઘોડા પહોંચતા પૂર્વે બે ટેકરીઓ વચ્ચે રાજમાર્ગની બાજુમાં જ આ સરકારી કોલેજ બનાવવામાં આવી છે. આમ તો જાંબુઘોડામાં વર્ષ 2017થી કોલેજ કાર્યરત કરવામાં આવી હતી. પણ, 2021માં કોલેજનું આ નવું બિલ્ડિંગ રૂ. 16 કરોડના ખર્ચથી બનાવી ત્યાં તમામ સુવિધાઓ સાથે શિક્ષણ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
કોલેજની સામે ઉત્તર તરફે નારૂકોટનો ડુંગર અને પાછળના દક્ષિણ ભાગે કડા ડેમની ટેકરીઓ છે. કોલેજના વર્ગ ખંડમાંથી જૂઓ તો કુદરતનું સર્વાંગ સૌંદર્યના દર્શન થાય છે. આર્ટ્સ વિભાગનું બિલ્ડિંગ ત્રણ માળ અને સાયન્સ વિભાગનું બિલ્ડિંગ બે માળનું છે.આ સરકારી કોલેજ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. તેના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ કહે છે, રાજ્ય સરકારના શિક્ષણ પ્રત્યેના ઉમદા અભિગમને પરિણામે જાંબુઘોડામાં સરકારી કોલેજ કાર્યરત કરવામાં આવી છે.
આવા અંતરિયાળ વિસ્તારોમાં આર્ટ્સ અને સાયન્સ કોલેજ શરૂ થતાં કન્યા શિક્ષણને પણ પ્રોત્સાહન મળ્યું છે. ધોરણ 12 પછી ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતી આદિવાસી છાત્રાઓને ઘર આંગણે કોલેજની સુવિધા મળી છે. હાલમાં આ કોલેજમાં દૂર દૂરના વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થિનીઓ સાયન્સ અને આર્ટ્સ વિદ્યાશાખામાં અભ્યાસ કરવા આવે છે.
કોલેજના પ્રાચાર્ય ડો. જયેશ યાજ્ઞિક કહે છે, જાંબુઘોડા સરકારી કોલેજમાં હાલમાં કુલ 862 છાત્રો અભ્યાસ કરે છે. જેમાંથી 227 છાત્રો વિજ્ઞાન વિદ્યાશાખા અને બાકીના વિનયન શાખામાં છે. રાજ્ય સરકાર દ્વારા એકદમ ઉપયુક્ત સ્થળે કોલેજ બનાવવામાં આવી છે. અહીંના 50 કિલોમિટરના વર્તુળમાં સાયન્સ કોલેજ નથી. તેથી દૂરદરાજના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવે છે. હાલોલ, બોડેલી, ઘોઘંબા અને જરોદથી પણ છાત્રો અભ્યાસ કરવા માટે દાખલ થયા છે. ખાસ કરીને આદિવાસી છાત્રાઓ માટે આ કોલેજ તો આશીર્વાદ સ્વરૂપ છે.
બોડેલીથી અભ્યાસ કરવા માટે આવતી ટી.વાય. બીએસસીની છાત્રા દીપાલી બારિયા કહે છે, ધોરણ બારનો અભ્યાસ કર્યા બાદ નજીકમાં કોલેજ હોવાથી આગળ વધવાની તક મળી છે. નહીં તો અમારે બહાર જવું પડ્યું હોત. મોટા શહેરોમાં શિક્ષણ સાથે રહેવાનો ખર્ચ પણ થાય છે. તેની સામે મારા ઘરથી માત્ર 15 કિલોમિટર દૂર કોલેજ હોવાથી ખર્ચમાં પણ બચત થઇ છે.હાલોલની જ્યોતિકા પરમાર કહે છે, માત્ર રૂ. 500માં અમને અહીં અભ્યાસ કરવાની તક મળી છે. મેં પહેલા વડોદરાની કોલેજમાં પ્રવેશ લીધો હતો. ત્યાં અપડાઉનમાં બહુ મુશ્કેલી પડતી હતી. હવે અહીં ખૂબ જ સરળતા રહે છે. આવા વિસ્તારોમાં કોલેજમાં શરૂ કરવા બદલ ગુજરાત સરકારનો આભાર માનવો ઘટે.