રાજેશ જોષી, પંચમહાલ : હાલ ચાલી રહેલી કોરોના મહામારી અને કોરોના વાયરસથી થતાં મૃત્યુએ સૌ કોઈમાં ડરનો માહોલ ઉભો કરી દીધો છે. કોરોના પોઝિટિવ દર્દી નજીક જવાની વાત તો ઠીક લોકો આંખ મિલાવવા તૈયાર નથી ત્યારે સ્વજનના અંતિમ સંસ્કાર કરવાની વાત તો બહુ દૂર કહી શકાય! આ ભયજનક કહી શકાય એવી સ્થિતિમાં પણ ગોધરામાં મુસ્લિમ સમાજના ત્રણ યુવકો પોતાના જીવકે સ્વજનોની પરવા કર્યા વિના કોરોના કોરોના સંક્રમિત થયા બાદ મૃત્યુ પામેલા વ્યક્તિઓના અંતિમ સંસ્કાર વિધિ કરવામાં સહભાગી બની રહ્યા છે. જેઓ આ કામગીરી એક માનવતા ધોરણે કરી રહ્યા છે. જેના માટે તંત્ર પાસે કે અન્ય કોઈ પાસે કાંઈપણ સરકારી મદદ વિના આ સેવાકીય પ્રવૃત્તિ કરી માનવતા મહેકાવી રહ્યા છે.
ગોધરા શહેરમાં રહેતાં મુસ્લિમ સમુદાયના હાજી હનીફ કંલદર, યુનુસ સમોલ અને ફિરદોસ મીઠા હાલ કોરોના વોરિયર્સની ભૂમિકા અદા કરી રહ્યા છે. હાલ ચાલી રહેલી કોરોના મહામારીએ સૌને ભયભીત કરી દીધા છે. કોરોના સંક્રમણમાં આવી જવાનો છૂપો ડર શિક્ષિત વર્ગના તમામ લોકોને સતાવી રહ્યો છે. જેમાં બે મત નથી એવી જ રીતે હવે તો તમામ લોકો પણ કોરોના વાયરસથી ઉભી થયેલી સ્થિતિથી વાકેફ તો થઈ ચૂક્યા છે.
કોરોના વાયરસના કારણે અસરગ્રસ્ત મૃત્યુ પણ પામી રહ્યા છે. કોરોના સંક્રમિત થયા બાદ મૃત્યુ પામેલા વ્યક્તિના અંતિમ સંસ્કાર વિધિ માટે મૃતદેહને તેના સ્વજનોને સોંપવામાં આવતો નથી અને જો સોંપવામાં આવે તો પણ કોરોનાના ડરથી લોકો એટલી હદે ફફડી ઉઠ્યા છે કે, એક વાર સ્વજન માટે પણ કોઈપણ કર્મ કરવા વિચારમાં મુકાઈ જાય છે.
આ સ્થિતિ વચ્ચે પણ ગોધરા મુસ્લિમ સમુદાયના હાજી હનીફ કંલદર, યુનુસ સમોલ અને ફિરદોસ મીઠા ત્રણ યુવકો પોતાની જાતની કે પરિવારજનોની ચિંતા કર્યા વિના કોરોના સંક્રમણનો ભોગ બની મોતને ભેટેલા વ્યક્તિના અંતિમ સંસ્કાર વિધિ કરવાના સહભાગી બની રહ્યા છે.અત્યાર સુધી તેઓએ ૨૦ મૃતદેહના અંતિમ સંસ્કાર કરી ચૂક્યા છે. જેમાં આ યુવકો જે ધર્મનો વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય એ ધર્મની પરંપરા મુજબ અંતિમ સંસ્કાર વિધિ કરી રહ્યા છે.
પીપીઇ કીટ પહેરી આ યુવકો આ સેવા નિસ્વાર્થ ભાવે પુરી કરી મૃતકોને તેમના સ્વજનની ખોટ પુરી પાડી રહ્યા છે. હાજી હનીફ કલંદર લોકડાઉન દરમિયાન પણ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા અને ગરીબ જરૂરિયાતમંદને ઘેર ઘેર જઈ અનાજ સહિતની વસ્તુઓની કીટ પહોંચાડી હતી. ત્યારે અત્રે ચોક્કસ ઉલ્લેખી શકાય કે, એક તબક્કે વિશ્વફલક ઉપર કલંકિત થયેલા ગોધરામાં પણ કોમી એખલાસ ભાવ સાથે માનવતા જરૂર મહેંકી રહી છે.