

ગોધરા : ગોધરા તાલુકાના રામપુરા કાંકણપુર ગામનાં ચાર પટેલ યુવકો સાત ડિસેમ્બરનાં રોજ ઇકો કાર લઇને સૌરાષ્ટ્રનાં પ્રવાસે ગયા હતાં. વિરપુર પહોંચ્યાં હતાં જે બાદ પરિવારને આ લોકોનો સંપર્ક થયો ન હતો. પરિવારને યુવાનોનો સંપર્ક ન થતા સૌરાષ્ટ્રની પોલીસની મદદ મેળવી હતી. જેમાં તપાસમાં જાણવા મળ્યું હતું કે, મંગળવારે વહેલી સવારે જૂનાગઠ પાસેની કેનાલમાં કાર ખાબકી ગઇ હતી. ક્રેઇનની મદદથી કારને બહાર કાઢતાં કારમાંથી બે મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે બીજા બે મૃતદેહ તળાવમાંથી મંગળવારની સવારે મળી આવ્યા હતાં. ચાર મૃતકના પાર્થિવ દેહને જુનાગઢના બદલે પીએમ કરવા અમદાવાદ મૃતદેહ લાવ્યા હતા. જે બાદ તમામનાં મૃતદેહ બુધવારે એટલે આજે વહેલી સવારે ગોધરાનાં રામપુર ખાતે લવાયા હતા. જ્યાં ચારેયની એક સાથે અંતિમ વિદાય કરવામાં આવી હતી.


ચાર જુવાનોનાં મૃતદેહો એક સાથે આવતાની સાથે આખું ગામ જાણે હિબકે ચઢ્યું હતું. આખા સમાજમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.


નોંધનીય છે કે, રામપુરથી આશરે 100 લોકોનો કાફલો 4 યુવકોને શોધવા ગાડીઓ લઇને જુનાગઢ પહોંચ્યાં હતા. 4 યુવકોનાં મોતથી પટેલ સમાજનાં 150 ઘરોમાં બે દિવસથી ચુલો પણ સળગાવવામાં આવ્યો ન હતો. મૃતકો પૈકી એક યુવાનની પત્ની હાલ ઘૂસિયા પોતાને પિયેર ડિલીવરી માટે આવી છે. આથી તેને મળવા વિરપુરથી સોમનાથ જતા પહેલાં ચારેય ઘૂસિયા જવા માંગતા હતા. આથી તેઓએ જૂનાગઢથી નેશનલ હાઇવે પર સોમનાથ જવાને બદલે વાયા મેંદરડાથી જતો માર્ગ પસંદ કર્યો હતો.


સાત ડિસેમ્બરે ઘરેથી નીકળ્યા હતાં જે બાદ 8 ડિસેમ્બરની વહેલી સવારે પરીવારો સાથે સંપર્ક તૂટી ગયો હતો. જે બાદ આ સમાજનાં લોકો સહિત ચારેય યુવાનોનાં પરિવારજનો છેલ્લા લોકેશન મુજબ ભાટીયા નવાગામ વચ્ચે શોધી રહ્યા હતા. 20થી 25 વખત એક જ રસ્તા પર ફરીને શોધખોળ કરી હતી. ચાર યુવકો અને કારને શોધવા જુનાગઢનાં એસપીનાં સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સહિતની અલગ-અલગ પોલીસની 10 ટીમો બનાવીને લોકેશન વાળા વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.