

લંડન : અમેરિકન અભિનેત્રી, બેવૉચ સ્ટાર અને બિગ બોસની સ્પર્ધક રહી ચુકેલી પામેલા એન્ડરસને જેલમાં બંધ વિકીલીક્સના સંસ્થાપક જૂલિયન અસાંજે (Julian Assange) સાથે મુલાકાત કરી હતી. જેલમાંથી પરત ફર્યા બાદ પામેલાએ કહ્યું કે, જૂલિયનની જિંદગી ખતરામાં છે. આ વિશે વાત કરતા તે ભાવુક થઈ ગઈ હતી. પ્રાણીઓના અધિકારો માટે કામ કરતી પામેલા એન્ડરસન મંગળવારે 7મી મેના રોજ વિકીલીક્સના જૂલિયન અસાંજે સાથે મુલાકાત બાદ કહ્યું કે, હું જૂલિયનને પ્રેમ કરું છું. તે ખૂબ સારો વ્યક્તિ છે.


જૂલિયન અસાંજે હાલ લંડનની જેલમાં બંધ છે. અમેરિકામાં તેની સામે દેશદ્રોહ તેમજ દેશની સુરક્ષા સામે ખતરો ઉભો કરવા સહિતના અનેક કેસ નોંધાયેલા છે. અસાંજે સાથે મુલાકાત બાદ પામેલાએ કહ્યું કે તેની હાલત સારી નથી.


અમેરિકન સુપરમૉડલ પામેલા એન્ડરસનની જૂલિયન આસંજે સાથેની મુલાકાતના સમાચાર થોડા પરેશાન કરનારા છે. કારણ કે પામેલા પ્રાણીઓના હિત માટે કામ કરે છે અને રાજકારણ મામલે તે પોતાની પ્રતિક્રિયા આપતી નથી. આથી જ જૂલિયન સાથે તેની મુલાકાતના સમાચાર હેરાન પમાડે તેવા છે. જોકે, તે અસાંજે અને સરકાર પ્રત્યે તેના વલણનું ખુલ્લીને સમર્થન કરી ચુકી છે.


51 વર્ષીય 'પ્લેબોય' સ્ટારની જૂલિયન અસાંજે સાથે મુલાકાત બાદ લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે. આ પહેલા પામેલા 'ગાંજા'ને અમેરિકામાં 'દવા' તરીકે જાહેર કરવાની રજુઆત કરી ચુકી છે, ગાંજાને લઈને તેના સમર્થન બાબતે પણ તેની ટીકા કરવામાં આવી ચુકી છે.