

પાસ નેતા હાર્દિક પટેલે વિજય સંકલ્પ યાત્રા સાથે બુધવારે મોડીરાત્રે દ્વારકા પહોંચી ગયો છે. આજે ગુરુવારે તે દ્વારકાધીશના મંદિર શીશ ઝૂકાવીને ધ્વજારોહણ કરશે. હાર્દિકે બુધવારે સવારે નવ વાગ્યે જેતપુરના મોટા દડવા ગામથી પોતાની વિજય સંકલ્પ યાત્રા શરૂ કરી હતી. બાદમાં આ યાત્રા વિવિધ શહેરમાંથી પસાર થઈને મોડી રાત્રે દ્વારકા પહોંચી હતી. સંકલ્પ યાત્રામાં હાર્દિકની સાથે મોટી સંખ્યામાં પાટીદાર યુવકો કાર અને બાઇકના કાફલા સાથે જોડાયા હતા.


મેં રૂપાણીની ખુરશી બચાવીઃ બુધવારે વિજય સંકલ્પ યાત્રાની શરૂઆત કરતા હાર્દિકે જણાવ્યું હતું કે, "સીએમ રૂપાણીએ મારો આભાર માનવો જોઈએ. મારા નિવેદન બાદ તેમને હટાવવામાં નથી આવી. તેમની ખુરશી સલામત રહી છે." નોંધનીય છે કે બે થોડા દિવસો પહેલા હાર્દિક પટેલે મીડિયા સામે એવું નિવેદન આપ્યું હતું કે વિજય રૂપાણીનું રાજનામું લઈ લેવામાં આવ્યું છે. આગામી દસ દિવસમાં ગુજરાતની જનતાને નવા પાટીદાર અથવા ક્ષત્રિય સીએમ મળશે.


મગફળી કૌભાંડ પર આપ્યું નિવેદનઃ સંકલ્ય યાત્રા દરમિયાન હાર્દિક પટેલે ખેડૂતોના પ્રશ્નો ઉઠવ્યા હતા. હાર્દિકે કહ્યું હતું કે, "ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને અમારી લડત યથાવત છે." મગફળી કૌભાંડ બીજેપીના પૂર્વ મંત્રી ચીમન શાપરિયાના સમયગાળા દરમિયાન થયું હોવાનું તેમજ આ કૌભાંડો એપીએમસી અને ડિસ્ટ્રિક્ટ બેંકો મારફતે ચલાવવામાં આવતા હોવાનો હાર્દિકે આક્ષેપ કર્યો હતો.


25 ઓગસ્ટે ઉપવાસ સ્થળે હાજર રહેવા અપીલ: દળવા ગામ ખાતે પાટીદારોને સંબોધન કરતા હાર્દિકે 25મી ઓગસ્ટના રોજ અમાદવાદ ખાતે ઉપવાસ દરમિયાન મોટી સંખ્યામાં હાજર રહેવા પાટીદાર યુવકોને હાંકલ કરી હતી. હાર્દિકે કહ્યું હતું કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેમજ પાટીદાર યુવકોને પડી રહેલી વિવિધ મુશ્કેલીઓને લઈને હું આમરણાંત ઉપવાસ કરી રહ્યો છું.


સંકલ્પ યાત્રાનો રૂટઃ હાર્દિકની સંકલ્પ યાત્રામાં 100 જેટલી કારનો કાફલો અને મોટી સંખ્યામાં બાઇક ચાલકો જોડાયા હતા. આ યાત્રા જેતપુર તાલુકાના મોટા દડવા ગામથી ઈશ્વરીયા, કાનપર, સાણથલી, વાંસાવડ, દેરડી-કુંભાજી, સુલતાનપુર, અમરનગર, જેતપુર, ધોરાજી, ઉપલેટા, કોલકી, પાનેલી, સિદસર, જામજોધપુર, ભાણવડ, લાલપુર, જામનગર, જામખંભાળીયા થઈને રાત્રે દ્વારકા પહોંચી હતી.