

મોરબીઃ મોરબીમાં શનિવારે પાસના કન્વીનર મનોજ પનારાની ફરતી થયેલી તસવીરોએ ખૂબ ચર્ચા જગાવી છે. ભાજપના અનેક નેતાઓએ સોશિયલ મીડિયામાં આ તસવીરો પોસ્ટ કરીને મનોજ પનારાને ભાજપમાં જોડાવવા માટે અભિનંદન પાઠવ્યા છે. મનોજ પનારાની કેસરિયો ખેસ પહેરેલી તસવીરો પાસ અને ભાજપના વોટ્સએપ ગ્રુપોમાં પણ ફરી રહી છે. આ અંગે મનોજ પનારાનું કહેવું છે આ તસવીરો ખોટી રીતે વાયરલ કરવામાં આવી છે. તે બીજેપીમાં નથી જોડાયો, પાટીદાર સમાજ માટે તે કાર્ય કરતો રહેશે.


શું છે ઘટના? : શનિવારે મોરબીમાં બીજેપી અને બીજા સોશિયલ મીડિયાના ગ્રુપોમાં મનોજ પનારાની તસવીરો ફરતી થઈ હતી. આ તસવીરોમાં તે બીજેપીના કાર્યકરો સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યો હોય તેવું બતાવવામાં આવ્યું છે. એક તસવીરમાં મનોજ પનારાએ બીજેપીનો ખેસ પણ પહેરી રાખ્યો છે. આ બનાવ બાદ અનેક બીજેપી કાર્યકરોએ આ પોસ્ટ મૂકીને મનોજ પનારાને બીજેપીમાં આવકાર્યો હતો.


હાલ મોરબીમાં પાલિકાની પેટા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન મોરબી જિલ્લાના ભાજપ પ્રમુખે તેમના ફેસબુક એકાઉન્ટ પર હાર્દિકના સાથી તેમજ પાસના કન્વિનર મનોજ પનારાની તસવીરો વાયરલ કરી હતી.


આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ કહ્યુ કે, અમે પેટા ચૂંટણી માટે પ્રચાર માટે નીકળ્યા હતા તે દરમિયાન મનોજ પનારા પર અમારી સાથે પ્રચારમાં આવ્યા હતા. બીજેપીને સમર્થન કરતી કોઈ પણ વ્યક્તિ અમારી સાથે આવીને પ્રચાર કરી શકે છે.


પાસનો કન્વિનર છે પનારા : નોંધનીય છે કે મનોજ પનારા પાસના મુખ્ય કન્વિનરોમાંનો એક છે. હાર્દિક પટેલના ઉપવાસ દરમિયાન મનોજ પનારાએ જ મીડિયાને સંબોધનની તેમજ હાર્દિક અને અન્ય લોકો સાથે વાતચીત દરમિયાન મધ્યસ્થીની ભૂમિકા નિભાવી હતી. આ દરમિયાન મનોજ પનારાએ બીજેપી સરકાર સામે અનેક પ્રહાર કર્યા હતા. હાર્દિકના ઉપવાસ દરમિયાન તેણે સરકાર સામે આક્ષેપો કરવાનો એક પણ મોકો છોડ્યો ન હતો.