

અતુલ વ્યાસ, જૂનાગઢ : વધુ એક સ્વામી (Swami)વિવાદમાં આવ્યા છે. તાજેતરમાં જ એક સ્વામિનારાયણ સાધુ (Swaminarayan Sadhu)ની એક મહિલા સાથેની રોમેન્ટિક ચેટિંગના સ્ક્રિનશોટ વહેતા થયા હતા. હવે જૂનાગઢના વંથલી નજીકના ખોરાસા ગામે આવેલા વેંકટેશ દેવસ્થાનના ગાદીપતિ વિવાદમાં આવ્યા છે. સ્વામીની એક મહિલા સાથેની ટેલીફોનિક વાતચીત વાયરલ થઈ છે. વાતચીત દરમિયાન સ્વામી મહિલા પાસે બીભત્સ માંગણી કરે છે. જોકે, મહિલાએ ધમકાવ્યા બાદ સ્વામીને પોતે શું કરી રહ્યા છે તેનું ભાન થતાં તેમણે માફી માંગી લીધી હતી. આગળ વાંચો સ્વામીએ મહિલા પાસે શું બીભત્સ માંગણી કરી હતી. (નોંધ : ન્યૂઝ18 ગુજરાતી આ બંને ઓડિયા ક્લિપની ખરાઈની પુષ્ટિ નથી કરતું.)


સ્વામી : જય શ્રીમન નારાયણ. મહિલા : જય શ્રીમન નારાયણ. સ્વામી : કોણ બોલે છે? મહિલા :..... સ્વામી : કેમ છો? મહિલા : ખૂબ મજામાં. સ્વામી : ક્યારે આવે છે? મહિલા : દેરાણી-જેઠાણી બધા મજામાં છે. સ્વામી : ક્યારે આવો છો? મહિલા : અત્યારે તો ટાઇમ નથી. સ્વામી : આવી જાવ એકવાર. મહિલા : ના. અત્યારે મેળો આવે છે તેની તૈયારી ચાલી રહી છે. સ્વામી : બરાબર. બાકી કહો. મહિલા : બાકી બધું બરાબર છે.


સ્વામી : સમય મળે ત્યારે આવી જાવ. મહિલા : હેં? સ્વામી : ટાઇમ મળે ત્યારે આવી જાવ. મહિલા : હા. સમય મળશે ત્યારે આવી જઈશ. સ્વામી : મારી પાસે આશીર્વાદનો ભંડાર છે. મહિલા : (હસવા લાગે છે) સ્વામી : પપ્પી બાકી છે. મહિલા : હેં? સ્વામીજી તમને વારંવાર દંડવત પ્રમાણ. આવી વાત કેમ કરો છો? સ્વામી : જય હો...જય હો...જય હો... મહિલા : જય હો...જય હો ન કહો. આવી વાત તમને શોભા નથી દેતી.


સ્વામી : હેલો, કોણ? મહિલા : .... બોલું છું. કોણ? સ્વામી : કેમ છો. મારાથી નારાજ તો નથી ને? મહિલા : નારાજ તો હોય જ ને. તમે વાત એવી કરી. સ્વામી : નારાજ હો તો મારી સાથે ફરીથી વાત ન કરતા. મહિલા : શું કહો છો? સ્વામી : તમે નારાજ હો તો તમારી ક્ષમા ચાહું છું. મહિલા : ક્ષમાની વાત નથી. આવી વાત તમને શોભતી નથી. સ્વામી : બરાબર છે. હવેથી વાત ન કરતા. મહિલા : આવી વાત તમને શોભતી નથી.


સ્વામી : એટલે જ કહું છું, કે હવેથી વાત ન કરતા. બીજું બોલો. મહિલા : બાકી બધું બરાબર છે. આનંદ મંગલ છે. તમારી આવી વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું છે. સ્વામી : બીજું બોલો. મહિલા : અમારી પણ માન સન્માન હોય કે નહીં? સ્વામી : હું ક્ષમા માંગુ છું. મહિલા : ક્ષમા નહીં, આ વાત મોટી થશે. સ્વામી : તમારે જે કરવું હોય એ કરો. તમને સારું નથી લાગ્યું તો હું માફી માંગું છું. મહિલા : ઠીક છે.


વંથલી તાલુકાના ખોરાસા ગામે આવેલ વ્યંકટેશ મંદિરના આચાર્યની એક મહિલા સાથેની અભદ્ર માંગણી કર્યાંની ઓડિયો ક્લિપ વાયરલ થતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. ખોરાસા વ્યંકટેશ દેવ સ્થાન તિરુપતિની સાઉથની પરંપરા મુજબનું દેવ સ્થાન છે. આ મંદિરમાં 1977થી ટ્રસ્ટનો વિવાદ ચાલી રહ્યો છે પરંતુ તેનો કોઈ ઉકેલ નથી આવતો.


ઓડિયો ક્લિપ વાયરલ થવા મામલે શ્યામાનારાયણ આચાર્યએ જણાવ્યું હતું કે, "મારે આ ક્લિપ સાથે કોઈ લેવાદેવા નથી. હાલ તો ગમે તેનો અવાજ ફીટ કરી શકાય છે. જે લોકો મને અહીંથી હટાવવાનું કાર્ય કરે છે તે લોકોએ આ ક્લિપ બનાવી છે. એ લોકો જ વ્યભિચારી છે. આ લોકોને જિલ્લાના રાજકીય લોકોનો સાથ છે. મારે કોઈ મહિલા સાથે સંબંધ નથી. આ મારી ક્લિપ નથી.


શ્યામાનારાયણ આચાર્ય પર ગાદી પચાવી પાડવાનો પણ આક્ષેપ થયો છે. મુંબઈ ખાતેના એક ટ્રસ્ટી કિશોર ઉનડકટ દ્વારા આ મામલે ચેરીટી કમિશ્નરને પત્ર લખાયો છે. સોશિયલ મીડિયામાં જે પત્ર વાયરલ થયો છે તેમાં ટ્રસ્ટીની કોઈ સહી નથી. આ ઉપરાંત જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ તે અંગે કોઈ પોલીસ ફરીયાદ નથી થઈ. આ ઉપરાંત ટ્રસ્ટના વિવાદ મામલે પણ કોઈ ફરિયાદ દાખલ નથી કરવામાં આવી.


હાલના ટ્રસ્ટીના પિતાજી આ મંદિરના ટ્રસ્ટી હતા પણ સ્વામીએ કોઈ કારણોસર હાલના ટ્રસ્ટની મંજૂરી વગર તમામ કાર્યો કરે છે. ટ્રસ્ટ કોઈ છે જ નીં તેવું તેઓ કહે છે. હાલ ટ્રસ્ટીઓ હાઈકોર્ટ સુધી ગયા છે. તેમનો આક્ષેપ છે કે જૂનાગઢ ચેરીટી દ્વારા હાઈકોર્ટના આદેશનું પાલન થયું નથી. હાલ જે સ્વામી છે તેને કોઈ અધિકાર નથી. આ સ્વામી સામે એક હથ્થું સાશન તેમજ વ્યભીચારના આક્ષેપ કરવામાં આવ્યા છે.


આ મામલે સ્વામી શ્યામાનારાયણ આચાર્યએ જણાવ્યું હતું કે, આ એક ષડ્યંત્રનો ભાગ છે. અહીં કોઈ ટ્રસ્ટી હોતું નથી. માત્ર આચાર્ય એક જ ટ્રસ્ટી હોય છે. મંદિર હડપ કરવા માટે બધા દાવપેચ છે. 1977માં આ લોકોના પરિવારે પૂર્વ આચાર્યો સાથે દગો કર્યો હતો. આજે એ લોકો ટ્રસ્ટી બનવા નીકળ્યા છે. વિલમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે કે જ્યાં સુધી કોઈ આચાર્ય ન મળે ત્યાં સુધી તેમને માત્ર વહીવટ કરવાનો અધિકાર છે.