

અરવલ્લી : આજ સવારથી જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણને કારણે ઠંડક પ્રસરી ગઇ છે. જોક, માવઠું થાય તેવા માહોલને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.


સાબરકાંઠા જિલ્લાનાં ઇડર, હિંમતનગર, તલોદ, ખેડબ્રહ્મા સહિતનાં જિલ્લામાં વહેલી સવારથી આકાશ કાળા વાદળોથી ઘેરાયું છે. આ સાથે અરવલ્લી જિલ્લાના મોડાસા, શામળાજી, ઇસરોલ સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણનાં કારણે ઠંડકનો માહોલ થતા એકબાજુ ગરમીથી આંશિક રાહત મળી છે જ્યારે બીજી બાજુ માવઠું થાય તેવો માહોલ સર્જાતા ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જ્યારે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બુધવારથી શુક્રવાર દરમિયાન હીટ વેવની આગાહી કરવામાં આવી છે.


હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 'નૈઋત્યનું ચોમાસું હવે બંગાળની ખાડી, આંદમાન-નિકોબાર તરફ આગળ ધપ્યું છે. હાલમાં ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન છે. દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, વલસાડ, નવસારી અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સોમવારે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આગામી બે દિવસ ગરમીમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે. પરંતુ બુધવારથી શુક્રવાર દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હીટ વેવની સ્થિતિ રહેશે.